Site icon Revoi.in

શ્રમ કાયદાઓના વિરોધ બાદ અંતે સરકારે તેનું અમલીકરણ મોકૂફ રાખ્યું

Social Share

નવી દિલ્હી: સરકાર દેશભરમાં 1લી એપ્રિલથી નવા શ્રમ કાયદાઓ લાગૂ કરવા માટે વિચારી રહી હતી. જો કે દેશભરના 10થી વધુ ટ્રેડ યુનિયન આ સુધારાનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ રાજ્ય સરકારો પણ નવા નિયમોના અમલ માટે હાલ તૈયાર ન હોવાથી આખરે સરકારે હાલ પૂરતું તેનું અમલીકરણ ટાળ્યું છે.

આપને જણાવી દઇએ કે ગત વર્ષે જ સંસદમાં ત્રણ મજૂર વેતન બિલને પસાર કરી દેવામાં આવ્યા હતા. જેનો અમલ પહેલી એપ્રિલથી કરવાનો હતો. જો કે આ કાયદા સુધારાની કોપીઓને દેશભરમાં ટ્રેડ યુનિયનોએ સળગાવવાની જાહેરાત કરી હતી. 15મી માર્ચથી આ કાયદાના વિરોધમાં અનેક લેબર યુનિયન વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે.

આ સ્થિતિ વચ્ચે હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પહેલી એપ્રીલથી આ કાયદા સુધારાનો અમલ નહીં કરવામા આવે. શ્રમ મંત્રાલય ચાર કોડ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ, વેજિસ, સોશિયલ સિક્યોરિટી, મજૂરોનું સ્વાસ્થ્ય અને વર્કિંગ કંડિશન વગેરેમાં સુધારા કરવામાં આવ્યા છે. એવામાં અહેવાલો છે કે રાજ્યોએ હજુસુધી આ સુધારાના અમલ માટેના નિયમો નથી ઘડયા તેથી તેના અમલના સમયગાળાને લંબાવવામાં આવે છે.

કોરોના મહામારી બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક લોકો બેરોજગાર બની ગયા હતા. જ્યારે હાલ કોરોના ફરી માથુ ઉચકી રહ્યો છે એવામાં ફરી લોકોની રોજીરોટી પર અસર પડી રહી છે. એવામાં નિષ્ણાંતોનો દાવો છે કે હાલ ગમે તે વળતર મળે લોકો કામ કરવા માટે તૈયાર થઇ જશે, અને એવામાં આ કાયદાઓનો અમલ પણ કરી દેવામાં આવી શકે છે.

મજૂર સંગઠનોનો દાવો છે કે ચાર કોડ ઓન વેજિસ 2019, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ 2020, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 દેશના મોટા બિઝનેસમેન અને નોકરી આપનારી કંપનીઓની તરફેણમાં અને મજૂરો તેમજ કર્મચારીઓના વિરુદ્ધમાં છે. કામના કલાકોમાં વધારો થવાથી શોષણ વધી શકે છે. પોતાની મનમાનીથી કર્મચારીઓને કાઢી મુકવામાં આવી શકે છે. જેને પગલે એવો દાવો થઇ રહ્યો છે કે આ કાયદાઓના અમલથી મજૂરો અને કર્મચારીઓનું શોષણ વધી શકે છે.

(સંકેત)