Site icon Revoi.in

રાષ્ટ્રીય શિક્ષણ નિતી: ધોરણ-9 અને 10 માં વૈદિક ગણિતનો અમલ, 449 શાળાઓમાં પુસ્તકો મોકલાયા

Social Share

અમદાવાદઃ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 અન્વયે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 10 માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે. આ માટે રાજ્યની 449 જેટલી શાળાઓમાં પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યા છે.

વિધાનસભા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 35 વર્ષ બાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભારતીય જ્ઞાન પરંપરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ માટે વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે સાથે ઘડતરના મૂલ્યો કેળવાય એ માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.

તાજેતરમાં ધોરણ 10 થી 12 માં ગીતાના મૂલ્યો મળે એ માટેનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલથી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાઓમાં પણ બદલાવ કર્યો છે અને શાળાકીય માળખામાં પણ ફેરફાર કર્યો છે.