Site icon Revoi.in

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની ઘોષણા, યુપીમાં 10 ફેબ્રુઆરીએ, પંજાબ-ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન, 10 માર્ચે આવશે પરિણામ

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો આજે ચૂંટણી પંચે જાહેર કરી છે.

આજે ચૂંટણી પંચે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ જણાવ્યું કે, યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે.

પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ શરૂ થશે. પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કાનું તો મણિપુરમાં 2 તબક્કામાં મતદાન યોજાશે. તમામ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચના રોજ જાહેર કરી દેવાશે.

યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 14 ફેબ્રુઆરીએ બીજા, 22 ફેબ્રુઆરીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1 તબક્કામાં મતદાન થશે.

મણિપુરની વાત કરીએ તો મણિપુરમાં બે તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા અને 3 માર્ચે બીજા તબક્કાનું મતદાન યોજાશે.

10 માર્ચના રોજ તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. કોવિડની ગાઇડલાઇન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. કોરોનાની વચ્ચે ચૂંટણી લાગૂ કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે.

ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પક્ષોને વર્ચ્યુઅલી પ્રચાર કરવા માટેની સલાહ આપવામાં આવી છે. કોઇપણ પ્રકારનાં રોડ-શો અને પદયાત્રાને મંજૂરી નહીં અપાય. 15મી જાન્યુઆરી સુધી કોઇપણ પ્રકારની રાજકીય રેલીને પણ મંજૂરી નહીં મળે.