ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આજે સ્વાસ્થ્ય મંત્રાલય-ચૂંટણી પંચનીની બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
- ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચ-સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાશે
- આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે ચર્ચા કરાશે
- તે ઉપરાંત ભારતમાં તેની અસર અને ચૂંટણીના આયોજનને લઇને પણ ચર્ચા કરાશે
નવી દિલ્હી: એક તરફ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ દેશમાં ઓમિક્રોનનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ વચ્ચે આજે પાંચ રાજ્યોની ચૂંટણીને લઇને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંક્રમણ અને ભારતમાં તેની અસર વિશે ચર્ચા કરવામાં આવશે.
આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને જોતા આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને બંને ચૂંટણી કમિશનર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સાથે ચર્ચા કરવાના છે. આ બેઠક બાદ પંચ કોરોના સંબંધિત સૂચનાઓને કડક બનાવી શકે છે. ચૂંટણી પંચ તરફથી યોજાનારી આ બેઠકમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ સહિત અનેક અધિકારીઓ હાજરી આપવાના છે.
અગાઉ ઓમિક્રોનના સંક્રમણમાં વધારાની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરતા અલ્હાબાદ હાઇકોર્ટે પીએમ મોદી તેમજ ચૂંટણ પંચને હાલ માટે વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવાની અપીલ કરી હતી. આ પછી, મુખ્ય ચૂંટણી કમિશનરે આવતા સપ્તાહે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવા જણાવ્યું હતું. ચૂંટણી પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવા પંચ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડની મુલાકાત લઇ ચૂક્યું છે.
નોંધનીય છે કે, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ (Uttarakhand)અને મણિપુર વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે માર્ચમાં પૂરો થાય છે, જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી(UP Assembly Elections)નો કાર્યકાળ મે મહિનામાં પૂરો થશે. આવતા વર્ષે તમામ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે.