કોંગ્રેસને 23 જૂને પાર્ટીના નવા અધ્યક્ષ મળશે, CWCની બેઠકમાં ચૂંટણીની તારીખ જાહેર થઇ
- દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે
- કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી
- કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણીની તારીખો જાહેર કરી
નવી દિલ્હી: દેશની સૌથી જૂની પાર્ટી એટલે કે કોંગ્રેસને 23 જૂનના રોજ નવા સ્થાયી અધ્યક્ષ મળી શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક મળવાની છે જેમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શનને લઇને પણ સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ જાણકારી આપી હતી. આ સાથે જ તેઓએ અધ્યક્ષ પદની ચૂંટણી યોજવાના પણ સંકેત આપ્યા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવાની છે અને તેનું મતદાન 23 જૂનના રોજ યોજાશે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. CWC બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણને આ ચૂંટણીમાં ઝટકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામો નિરાશાજનક રહ્યા છે.
સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, મોદી સરકાર કોરોનાની સ્થિતિને અંકુશમાં રાખવામાં નિષ્ફળ સાબિત થઇ છે. આ નાજુક સમયમાં તેઓએ ફરી એકવાર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ હાલની વિધાનસભા ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાની સમીક્ષા કરવા માટે એક સમિતિનું ગઠન કરવાનું સૂચન કર્યું છે.
(સંકેત)