Site icon Revoi.in

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે ભારતીય સેનાના જાંબાઝ કમાંડો, જાણો તેની ખાસિયત

Social Share

નવી દિલ્હી: શનિવારના રોજ ભારતીય સેનાનો 74મો સ્થાપના દિવસ હતો ત્યારે ભારતીય સેના માટે પ્રથમવાર નવી કોમ્બેટ યુનિફોર્મ રજૂ કરવામાં આવી છે. આર્મી ડે પર દિલ્હી કેંટર પર પરેડ ગ્રાઉંડ પર પેરાશૂટ રેજિમેન્ટના કમાંડો આ નવા યુનિફોર્મમાં દેખાયા હતા. આ નવા યુનિફોર્મની ડિઝાઇન NIFT દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ નવો યુનિફોર્મ વધુ આરામદાયક હોવાનો દાવો સેનાના અધિકારીઓએ કર્યો છે.

આ યુનિફોર્મને જંગના મેદાનમાં સૈનિકોની વર્દીમાં એકરૂપતા લાવવા અને સેનાના કામ કરવાની પરિસ્થિતિઓને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોફેસર સહિત 8 વિદ્યાર્થીઓની એક ટીમે તેના પર કામ કર્યું છે. તે વજનમાં પણ ખૂબ જ હલકા છે. આ અંગે ટીમના પ્રોફેસરે કહ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં ભારતીય સેનાએ અમારો સંપર્ક સાધ્યો હતો અને કોમ્બેટ યુનિફોર્મમાં ફેરફારો અંગે ચર્ચા કરી હતી. શરૂઆતમાં માત્ર ડિઝાઇનમાં ફેરફારની વાત હતી અને બાદમાં તેમાં વધારે ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ નવી વર્દીમાં શર્ટને ટ્રાઉઝરમાં નાખવાની આવશ્યકતા નહીં રહે. જવાનો માટે અંદર ટીશર્ટ આપવામાં આવી છે. ડ્રેસને ડિઝાઇન કરતા સમયે તે વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સૈનિક અલગ અલગ ક્ષેત્રમાં યુનિફોર્મ પહેરીને પોતાની ભૂમિકા નિભાવી શકે. સેના દ્વારા આવા ડ્રેસ ઓપરેશનલ એરિયામાં પહેરવામાં આવે છે.