Site icon Revoi.in

સંસદ બહાર આંદોલન માટે ખેડૂતોને શરતી મંજૂરી મળી, 9 ઑગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન

Social Share

નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની લડાઇ હજુ ચાલુ જ છે અને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જ છે. ખેડૂતો આજથી ફરીથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર કૃષિ કાયદાઓનો વિરોધ કરશે. ખેડૂત સંગઠનોને જંતર-મંતર પર કોરોના પ્રોટોકોલનું પાલન કરીને વિરોધ માટે લીલી ઝંડી મળી છે. આ આંદોલનમાં 200 ખેડૂતો જોડાશે.

ખેડૂતો આજથી 22 જુલાઇથી 9 ઑગસ્ટ સુધી દિલ્હીના જંતર-મંતર પર કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવશે. દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને જંતર-મંતર પર કોરોના પ્રોટોકોલ જાળવીને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી આપી છે. સંસદના ચોમાસું સત્ર દરમિયાન દૈનિક 200 ખેડૂતો આ પ્રદર્શનમાં સામેલ થશે.

ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને 200 ખેડૂતોની મર્યાદામાં વિરોધ પ્રદર્શનની મંજૂરી અપાઇ છે.

આપને જણાવી દઇએ કે છેલ્લા 8 મહિનાથી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર પર કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કૃષિ આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં છે. ખેડૂતો આજથી લઇને 9 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવશે.

ઉપરાંત, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Delhi Disaster Management Authority) એ પણ વિરોધ પ્રદર્શન માટે ઔપચારિક રીતે આદેશ આપ્યો છે અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી ખેડૂતોને વિરોધ પ્રદર્શન માટે મંજુરી આપવામાં આવી છે.