- દિલ્હીની બોર્ડર પર હલચલ તેજ
- ફરીથી નવા જૂની થવાના એંધાણ
- ખેડૂતો આંદોલન માટે હજુ પણ અડગ
નવી દિલ્હી: પીએમ મોદીએ થોડાક સમય પહેલા ત્રણ કૃષિ કાયદાને પરત ખેંચવાની ઘોષણા કરી હતી. તેમ છતાં હજુ પણ ખેડૂતો પોતાની કેટલીક માંગો માટે હજુ પણ આંદોલન કરવા પર અડગ છે. હવે ખેડૂત સંગઠનો આંદોલન પાર્ટ 2ની તૈયારી કરી રહ્યાં છે.
ખેડૂતો હજુ પણ પાછળ હટવા માટે તૈયાર નથી. એક તરફ પીએમ મોદીએ ખેડૂતોને ફરીથી પોતાના ઘરે જવા માટે અપીલ કરી છે ત્યારે બીજી તરફ દિલ્હીની બોર્ડર પર આંદોલનને આગળ હજુ ચલાવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની સંખ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે અને આગામી સમયમાં નવા જૂનીના એંધાણ મળી રહ્યાં છે.
દિલ્હીમાં ખેડૂતો આંદોલનને વધુ પ્રબળ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. ફરી વાર ખેડૂતો દિલ્હી તરફ આગેકૂચ કરી રહ્યા છે. અત્યારથી જ ખેડૂતો પોતાના સમર્થકો સાથે મોટા પાયે ત્યાં પહોંચી રહ્યાં છે.
આ અંગે ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, કૃષિ આંદોલન હજુ પૂર્ણ થશે નહીં, હજુ આગળની રણનીતિ પર કામ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની આવક કઇ રીતે બમણી કરવામાં આવશે તે મુદ્દે સરકારે સવાલો કરવામાં આવશે. જ્યારે અમારા પાકનું સારું મૂલ્ય મળશે ત્યારે જ ખેડૂતોની જીત કહેવાશે.