મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગની ઘટના: જીવ બચાવવા સિક્યોરિટી ગાર્ડ કૂદી પડ્યો
- મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં લાગી આગ
- જીવ બચાવવા સિક્યોરિટી ગાર્ડ 19માં માળેથી કૂદી પડ્યો
- આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ કરી રહ્યો છે કામગીરી
મુંબઇ: મુંબઇમાં એક મોટી ઘટના બની છે. મુંબઇની એક હાઇ રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા જ હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ આગ બૂઝાવવા માટે સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. મુંબઇના કેરી રોડ વિસ્તારના માધવ પલવ માર્ગની આ ઘટના છે. અંદાજે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
બનાવની વિગતો એવી છે કે, મુંબઇના કેરી રોડ વિસ્તાર સ્થિત અવિધ્ના પાર્ક બિલ્ડિંગના 19માં માળે આગ લાગી છે. બિલ્ડિંગના 19માં માળ પર લાગેલી આગથી બચવા માટે એક વ્યક્તિ બાલ્કનીમાં લટકતા જોવા મળ્યો હતો. જીવ બચાવવા માટે એક સિક્યોરિટી ગાર્ડ પણ 19માં માળથી કૂદી પડ્યો હતો.
જો કે, રાહતની વાત એ છે કે આગ લાગતા જ બિલ્ડિંગની અંદર રહેલ તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ અત્યારે પ્રયાસો કરી રહ્યું છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી.