સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત, 8 કેન્દ્રીય મંત્રીઓએ કરી પ્રેસ કોન્ફરન્સ
- વિપક્ષને આકરો જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ
- અનેક મુદ્દાઓ પર વિપક્ષને અપાયો આકરો જવાબ
- સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત
નવી દિલ્હી: સંસદના સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે દરેક ક્ષણે અને સમયે સરકારને પેગાસસ જાસૂસી મામલો, પેટ્રોલ-ડિઝલની કિંમતો, ઑક્સિજનની અછત સહિતના મુદ્દા પર ઘેરવાનો સતત પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવવાનો એક પણ મોકો નહોતો છોડ્યો ત્યારે વિપક્ષોના આરોપોના જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, સંસદ ના ચાલવા દેવાનો નિર્ણય પૂર્વનિયોજીત હતો.
અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર અને વી. મુરલીધરને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને વિપક્ષોને આકરા જવાબ આપ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે, વિપક્ષે અમને ધમકી આપી હતી કે જો અમે બિલ પસાર કરવાનો પ્રયાસ કરીશું તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે.
વિપક્ષના સભ્યોએ કાચ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઘાયલ થઈ હતી. તેઓએ લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ટેબલ ઉપર ચડીને હંગામો કર્યો. કોઈ બિલ પસાર થઈ રહ્યું નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી કરવા છતાં તેઓ સહમત ન થયા.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના લોકો પ્રતિક્ષા કરી રહ્યાં છે તેમની સાથે જોડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવામાં આવે ત્યારે વિપક્ષે સડકથી માંડીને સંસદ સુધીનો એજન્ડા ખુલ્લો પડ્યો છે. વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી છે.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયેલે જણાવ્યું કે રાજ્યસભામાં વિપક્ષનો જે વ્યવહાર રહ્યો છે તેનાથી ગૃહની ગરીમા ઘટી છે. ચેરમેનની સામે ખોટાખોટા આરોપ લગાવીને પદની ગરિમા ઘટાડવામાં આવી. વિપક્ષોએ શરમજનક પ્રદર્શન કર્યું. વિપક્ષની ઈચ્છા શરુઆતથી સ્પસ્ટ બની છે.