- પશ્વિમ બંગાળમાં કોંગ્રેસને ઝટકો
- પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMCમાં સામેલ થયા
- થોડા દિવસ રહેલા અભિજીતે TMCના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી
કોલકાતા: પશ્વિમ બંગાળમાં રાજકીય હલચલ વધી ગઇ છે. કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત સોમવારે કોલકાત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં TMCમાં સામેલ થયા છે. થોડા દિવસ રહેલા અભિજીતે TMCના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા બેઠકથી ચૂંટણી લડાવી શકે છે.
ટીએમસીમાં સામેલ થયા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.
અભિજીત મુખર્જીએ કહ્યુ કે, પ્રાથમિક સભ્ય સિવાય કોંગ્રેસ પાર્ટીના કોઈ સમૂહમાં મને સામેલ કરવામાં ન આવ્યા અને કોઈ પદ આપવામાં આવ્યું નહીં. તેથી હું એક સૈનિકના રૂપમાં ટીએમસીમાં સામેલ થયો છું. હું પાર્ટીના આદેશો પ્રમાણે કામ કરીશ. અખંડતા અને ધર્મનિરપેક્ષતાને બનાવી રાખવા માટે કામ કરીશ.
અભિજીત મુખર્જીના રાજકીય કરિયરની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં આવ્યા પહેલા સરકારી નોકરી કરતા હતા. પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા સીટ ખાલી થી. 2012માં કોંગ્રેસની ટિકિટ પર અભિજીત અહીંથી પ્રથમવાર પેટાચૂંટણી જીતી સાંસદ બન્યા. 2014 લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ પરથી ફરી જીતવામાં સફળ રહ્યા. પરંતુ 2019ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. તેમના પિતા પ્રણવ મુખર્જી આ સીટથી 2004 અને 2009માં જીત્યા હતા.
હાલમાં કોલકત્તામાં નકલી વેક્સિનેશન કેમ્પનો મામલો સામે આવ્યો હતો. વિપક્ષે આ માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી પરંતુ અભિજીતે તેમનો બચાવ કર્યો હતો.પોતાના ટ્વીટમાં મુખર્જીએ લખ્યુ કે- કોઈ વ્યક્તિ વિશેષની ખોટી હરકત માટે પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.