તમે હવે ખાદ્યતેલ ખાતા પહેલા 10 વાર વિચારશો, FSSAIની ચકાસણીમાં મોટા ભાગના ખાદ્યતેલમાં ભેળસેળ સામે આવી
- FSSAIએ દેશભરના અનેક ખાદ્યતેલના સેમ્પલની કરી ચકાસણી
- તેમાંથી મોટા ભાગના સેમ્પલમાંથી અશુદ્વિઓ મળી આવી હતી
- 108 ખાદ્યતેલો પણ ખાવાલાયક પણ નથી
નવી દિલ્હી: આપણે રોજબરોજના જીવનમાં જે ખાદ્યતેલ આરોગીએ છીએ તેમાં પણ અનેક જાતની અશુદ્વિઓ અને ભેળસેળ જોવા મળતી હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારની અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલની FSSAI દ્વારા નિયમિતપણે ચકાસણી કરવામાં આવતી હોય છે. FSSAI દ્વારા કરાયેલી ખાદ્યતેલોની ચકાસણી દરમિયાન એટલી ભેળસેળ સામે આવી હતી જેણે કંપનીના ખાદ્યતેલની શુદ્વતાના દાવાને પોકળ સાબિત કર્યા હતા.
FSSAI દ્વારા દેશભરમાં વેચવામાં આવતા ખાદ્યતેલોની ગુણવત્તા માપવા માટેના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા. સેમ્પલની ચકાસણી બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
દેશના 4 મહાનગરો અને 587 જીલ્લામાંથી આ સેમ્પલ્સ એકઠા કરાયા હતા. આ સેમ્પલોની ચકાસણી બાદ દેશમાં અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલ મળતું હોવાનો FSSAIએ દાવો કર્યો છે.
દેશમાંથી 4461 નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાંથી મોટા ભાગના નમૂનાઓ તેની ગુણવત્તાની ચકાસણીમાં નિષ્ફળ નિવડ્યા હતા.
સેમ્પલ્સની ચકાસણી દરમિયાન કેટલાક ખાદ્યતેલોમાંથી આફ્લાટિકિસન્સ કિટાણુનાશક જેવા ઘાતક રસાયણો પણ મળી આવ્યા હતા. તે ઉપરાંત ખાદ્યતેલમાં મોટા પ્રમાણમાં હાનિકારક મેટલ પણ મળ્યું હતું.
સેમ્પલો બાદ જે સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે 108 જેટલા સેમ્પલોમાં તો તેલ ખાવાલાયક પણ ન હોવાનું સામે આવ્યું હતું.
નોંધનીય છે કે, દેશના 587 જીલ્લા અને 4 મેટ્રો શહેરમાંથી લેવાયેલા 4461 નમૂનાઓમાંથી 24.2 ટકા નમૂનાઓ માપદંડોમાં નિષ્ફળ સાબિત થયા હતા.