અમદાવાદઃ રમત ગમત ક્ષેત્રે ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન પ્રતિષ્ઠિત “36મી નેશનલ ગેમ્સ 2022”ની યજમાની કરવા જઈ રહ્યું છે. દરમિયાન સુરતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ હેન્ડ બોલ તથા બીચ વોલીબોલ એમ ચાર રમતોની યજમાની મળી છે. જેમાં 1100 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.
સુરત ખાતે 36મી નેશનલ ગેમ્સના ભાગરૂપે તા. 17,18 અને 19મી સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ માટે જી.ડી.ગોએન્કા પાસે કેનાલ વોકવે ખાતે સ્પોર્ટસ કાર્નીવલ યોજીને રમતગમતવીરો, વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે. જેના આયોજનના ભાગરૂપે મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની તથા જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં અડાજણ આર્ટ એન્ડ પરફોર્મીગ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી.
તા. 17મીના રોજ સવારે 7 વાગે પરંપરાગત ગામઠી રમતો જેવી કે, ખો-ખો, કબડ્ડી, ગીલીદંડા, લખોટી, કોથળા દોડ જેવી રમતોમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો ભાગ લેશે. ટ્રાયબલ તથા ફોક ડાન્સ યોજાશે. તા.18મીએ કેનાલ કોરીડોર ખાતે સાયકલીગ રેલી, સ્કેટીંગ રેલીઓ યોજાશે. તા. 19મીએ શહેરના વિવિધ સ્પોર્ટસ એસોસિયેશનો પોતાના પ્લાટુનો સાથે પરેડ ગેમ્સને રેલી યોજશે. આ દિવસોમાં ફુડ ફેસ્ટીવલ તથા કલ્ચરલ પ્રોગ્રામો યોજાશે. આ જ સ્થળે ફુડ ફેસ્ટીવલ તા.17 સપ્ટેમ્બરથી તા. 5 ઓકટોમ્બર સુધી યોજાશે.