અમદાવાદઃ હાલમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે 36મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેશનલ ગેમ્સ – 2022 અંતર્ગત રાજકોટ ખાતે તા. 2 જી ઓક્ટોબર થી 9 ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની 51 જેટલી ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે. જેમાં 2600થી વધુ ખેલાડીઓ, કોચ તેમજ સ્પોર્ટસ ઓફિસિયલ્સ રાજકોટના મહેમાન બનશે. તેમ રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ જણાવ્યું હતું.
રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ પૂર્વે નેશનલ ગેમ્સ અને સ્પોર્ટસનું મહત્વ નાગરિકોને સમજાય તે માટે તા. 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટસ એક્ટીવેશન પ્રોગ્રામ્સ યોજાશે. જેમાં તા. 12 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, તા. 13 ના રોજ મહિલા કોલેજ, મારવાડી તેમજ આર.કે. યુનિવર્સીટી તેમજ તા. 14 ના રોજ ધોરાજી તેમજ પડધરી ખાતે મેસ્કોટ નિદર્શન, નેશનલ થીમ સોન્ગ, ફિટ ઇન્ડિયા ઓથ સહીત વિવિધ ઈવેન્ટ્સ યોજાશે.
તા. 15 થી 17 સપ્ટેમ્બર દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતગમતો યોજાશે. જેમા રાજકોટના ખેલાડીઓ ઉપરાંત સ્પોર્ટસ એઓસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે.
ગુજરાત હોકી ટીમના કોચ અને કેમ્પના કો-ઓર્ડીનેટર મહેશ દિવેચાએ જણાવ્યું હતું કે, રેસકોર્સ સ્થિત ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હોકી ગ્રાઉન્ડ પર તા. 10 સપ્ટેમ્બરથી હોકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અગ્રણી 30 બોયઝ અને 30 ગર્લ્સ ખેલાડીઓ સહભાગી બનશે. જેમને હોકીના એક્સપોર્ટ કોચ આર.વી.એસ. પ્રસાદ દ્વારા તાલીમ આપવામાં આવશે. હોકી ટીમના ભૂતપૂર્વ કપ્તાન રીતુ રાની સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ ઇવેન્ટમાં સામેલ થશે
સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્ષ ખાતે સ્વિમિંગની વિવિધ ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત માના પટેલ સહિતના સ્વિમર્સ રાજકોટ ખાતેની સ્પર્ધામાં ભાગ લેવા આવશે. ખેલાડીઓ તેમજ સંલગ્ન કોચીસ અને ઓફિસિયલ્સ રાજકોટની મહેમાનગતિ સાથોસાથ નવરાત્રી દરમ્યાન ખ્યાતિ પ્રાપ્ત ગરબા પણ માણશે.