Site icon Revoi.in

જો હવે 15 મિનિટ પણ વધુ કામ કરશો તો મળશે ઓવરટાઇમના પૈસા

Social Share

નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે આગામી નાણાકીય વર્ષમાં નવા કાયદા લાગુ કરવાની તૈયારીઓ કરવા માંડી છે. સરકાર તેને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે. નવા નિયમના અમલીકરણ બાદ દેશના શ્રમ બજારમાં સુધારેલા નિયમોનો નવો દોર શરૂ થશે.

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ પર નજર કરીએ તો સરકાર નવા શ્રમ કાયદા હેઠળ ઓવરટાઇમની હાલની સમયમર્યાદામાં ફેરફાર કરી શખે છે અને નિર્ધારિત કલાકોથી 15 મિનિટ પણ વધુ કામ કરશો તો ઓવરટાઇમ ગણાશે. આ માટે કંપનીઓએ પોતાના કર્મચારીઓને ચૂકવણી કરવી પડશે. એટલે કે કામના કલાકો પૂર્ણ થયા બાદ જો તમે 15 મિનિટ પણ વધુ કામ કરશો તો કંપની તે માટે ચૂકવણી કરશે.

આ મામલા સાથે જોડાયેલા એક અધિકારી અનુસાર શ્રમ મંત્રાલયે નવા શ્રમ કાયદા અંગે તમામ હિતધારકો સાથે વિચાર વિમર્શ કરી લીધો છે અને આ મહિનાના અંત સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ નિયમો લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે.

નવા કાયદામાં કંપનીએ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ કર્મચારીઓને પીએમ (PF) અને ઈએસઆઈ (ESI) જેવી સુવિધાઓ મળે. નવા નિયમો મુજબ કોઈ કંપની એમ કહીને બચી શકશે નહીં કે કોન્ટ્રાક્ટર કે થર્ડ પાર્ટી દ્વારા આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ કે થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારાઓને પણ પૂરો પગાર મળે તે પ્રમુખ નિયોક્તા એટલે કે કંપનીઓ જ સુનિશ્ચિત કરશે.

(સંકેત)