- ફોન હેકિંગના પેગાસસ પ્રોજેક્ટ પર સરકારનો જવાબ
- સરકારે આ હેકિંગ અંગેનો રિપોર્ટ ફગાવ્યો
- આ રિપોર્ટ એકતરફી છે અને તેમાં કોઇ તથ્ય નથી
નવી દિલ્હી: ઇઝરાયેલી સોફ્ટવેર પેગાસસ સ્પાઇવેર મારફતે પત્રકારો અને કાર્યકરોની જાસૂસી થઇ હોવાના ઇન્ટરનેશન રિપોર્ટના ઘટસ્ફોટ બાદ કેન્દ્ર સરકારે આ અંગે નિવેદન આપ્યું છે. સરકારે આ ખબરને તથ્યોથી દૂર ગણાવતા ફગાવી છે. સરકારે નિવેદન બહાર પાડ્યું છે કે, આ રિપોર્ટ દેશની છબી ખરાબ કરવાના ઇરાદાથી તૈયાર થયો છે અને તેમાં કોઇ તથ્ય નથી.
આ અંગે કેન્દ્રીય સૂચના- ઇલેક્ટ્રોનિક મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. રાજેન્દ્રકુમારે કહ્યું કે, 17 મીડિયા સંસ્થાનોના કંસોર્ટિમનો રિપોર્ટ તથ્યોને વેરિફાય કર્યા વગર એકતરફી રીતે બહાર પડાયો છે. રિપોર્ટ વાંચીને એવું જાણવા મળી રહ્યું છે કે, એક સાથે તપાસકર્તા, અભિયોજક અને જજની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. ભારત એક લચીલું લોકતંત્ર છે અને તે પોતાના તમામ નાગરિકોની ગોપનીયતાના અધિકારને મૌલિક અધિકાર તરીકે સુનિશ્વિત કરવા પ્રતિબદ્વ છે.
અધિક સચિવે ઉમેર્યું હતું કે, ખબરોથી સ્પષ્ટ છે કે લખનારાઓએ કોઇ રિસર્ચ કર્યું નથી અને પૂર્વ અવધારણાના આધારે એકતરફી વિશ્લેષણ સંભળાવી દીધું. ભારત સરકાર આ રિપોર્ટ ફગાવે છે.
તેમણે કહ્યું કે રિપોર્ટમાં પત્રકારો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દેશમાં ફોન ઈન્ટરસેપ્ટ(Intercept) કરવા માટે કાયદો બન્યો છે. જે હેઠળ કેન્દ્રમાં ગૃહસચિવ અને રાજ્યોમાં સક્ષમ અધિકારીની મંજૂરી વગર કોઈ ઓફિસર પોતાની મરજીથી ફોન ઈન્ટરસેપ્ટ કરી શકે નહીં.
કાયદા હેઠળ ફોન ઇન્ટરસેપ્ટિંગની મંજૂરી ફક્ત રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓમાં જ અપાય છે. આ પ્રકારની દરેક ઇન્ટરસેપ્ટિંગનો રેકોર્ડ મેઇન્ટેઇન કરાય છે અને તેની દેખરેખ થાય છે. રિપોર્ટમાં જે લોકોના નામ અપાયા છે તેમનું સરકાર તરફથી કોઇ ઇન્ટરસેપ્ટિંગ થયું નથી.
ડો. રાજેન્દ્રકુમારે કહ્યું કે આ અગાઉ પણ આ પ્રકારના રિપોર્ટ્સ ફેલાવવામાં આવ્યા હતા કે સરકાર વોટ્સએપ દ્વારા લોકોની જાસૂસી કરાવે છે. બાદમાં આ અહેવાલ તથ્યવિહોણા જણાયા. વોટ્સએપે પોતે જ સુપ્રીમ કોર્ટમાં કબૂલ કર્યું કે આવી કોઈ જાસૂસી કરાવવામાં આવતી નથી.
તેમણે કહ્યું કે એવું લાગે છે કે વોટ્સએપવાળી ખબરની જેમ એકવાર ફરીથી ભારત અને ભારતીય લોકતંત્રને શર્મસાર કરવા માટે આ ફેક ખબર ફેલાવવામાં આવી છે. ભારત સરકાર આ ખબરને સંપૂર્ણ રીતે ફગાવે છે.
નોંધનીય છે કે, વિશ્વભરના 17 મીડિયા સંસ્થાનોના સમૂહે દાવો કર્યો છે કે, વિભિન્ન સરકારો પોતાના ત્યાં પત્રકારો અને કાર્યકરોની જાસૂસી કરાવી રહી છે. પબ્લિશ થયેલા રિપોર્ટ અનુસાર ભારત સહિત અનેક દેશોમાં લગભગ 180 પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને એક્ટિવિસ્ટ્સની જાસૂસી કરાવવામાં આવી.