Site icon Revoi.in

ભારત સરકાર જમ્મૂ કાશ્મીર પર આ પાંચ નિર્ણયો લે તેવી સંભાવના

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં અત્યારે ફરીથી કંઇક મોટું થવાની અટકળો તેજ થઇ છે. પીએમ મોદીની આજે જમ્મૂ કાશ્મીરના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક ચાલી રહી છે. સૂત્રો અનુસાર આજે યોજાયેલી બેઠકો પર અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ છે અને કેન્દ્ર સરકાર ક્યાં મોટા પગલાં લઇ શકે છે તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે.

જમ્મૂ કાશ્મીર પર સરકાર આ પાંચ નિર્ણય લે તેવી સંભાવના છે.

વિધાનસભા ચૂંટણી

આજની બેઠકમાં જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા અંગે પણ ચર્ચા થઇ હોવાની સંભાવના છે. કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મૂ કાશ્મીરને દિલ્હી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ચૂંટણીના આયોજન અંગે સર્વસંમતિ થઇ શકે છે.

PoKને પ્રતિનિધિત્વ

જમ્મૂ કાશ્મીર વિધાનસભાની પહેલા 111 બેઠકો હતી, જેમાંથી 24 પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં હતી. હજુ સુધી આ બેઠકો ખાલી રહી છે. હવે એવું માનવામાં આવે છે કે ભારત પાકિસ્તાનના ભાગલા પછી પીઓકેમાંથી મોટી સંખ્યામાં લોકો ભારત સંચાલિત કાશ્મીર આવ્યા જેમને હવે PoKનું પ્રતિનિધિત્વ આપી શકાય છે.

વિધાનસભા મતવિસ્તારનું સીમાંકન
કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR)પ્રદેશમાં સીમાંકન કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા થઈ હોઈ શકે છે. વિધાનસભા મત વિસ્તાર અથવા લોકસભા મતવિસ્તારોની પુનઃરચના , સીમાંકનની પ્રક્રિયા દ્વારા થઈ શકે છે. ભવિષ્યમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા તરફનું આ પહેલું પગલું સાબિત થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આનાથી જમ્મુની બેઠકો વધી શકે છે.

જમ્મૂ માટે અલગ રાજ્યનો દરજ્જો

તાજેતરમાં જ જમ્મૂમાં શિવસેના અને ડોગરા મોરચે માંગ કરી હતી કે વહેલી તકે જમ્મૂને અલગથી રાજ્યનો દરજ્જો આપવો જોઇએ. જમ્મૂ માટે અલગ રાજ્યના દરજ્જાની માંગ પણ વધી રહી છે. તેથી આ અંગે ચર્ચા થઇ શકે છે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો
નેશનલ કોન્ફરન્સ (NC), પીડીપી સહીત ઘણા રાજકીય પક્ષો જમ્મુ-કાશ્મીર (JAMMU KASHMIR) ને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પણ આ મુદ્દે વાત કરી શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.