નવી દિલ્હી: કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર બચેલા એવા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમર શહીદના પરિવારને તેઓ 1 કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે.
ભોપાલના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, ભારત માતાના સાચા સપૂત, શૌર્યના પ્રતિક વીર યોદ્વા વરુણ સિંહજીના ચરણમાં શ્રદ્વાસુમન અર્પિત કરું છું. તેઓ અદભૂત અને અદ્વિતીય યોદ્વા હતા. તેમણે પહેલા પણ મોતને મ્હાત આપી હતી. હવે તેઓ આપણા વચ્ચે નથી રહ્યા. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. તેમનો પરિવાર આખા દેશનો, સમગ્ર પ્રદેશનો પરિવાર છે. દરેક ભારતવાસી તે પરિવાર સાથે ઉભા છે.
આપણા વીર યોદ્ધાને સન્માન સાથે વિદાય કરવામાં આવશે અને સાથે જ તેમની સ્મૃતિ જાળવી રાખવા માટે પરિવાર સાથે ચર્ચા કરીને સંસ્થાનું નામ અને પ્રતિમા લગાવવા અંગે પણ વિચાર વિર્મશ કરવામાં આવશે.
નોંધનીય છે કે, ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પાર્થિવ શરીર બપોરે 2:30 કલાકે સેનાના વિશેષ વિમાન દ્વારા ભોપાલ લાવવામાં આવશે. તેને એરપોર્ટ રોડ સ્થિત ઈન્નર કોર્ટ કોલોનીમાં લઈ જવામાં આવશે જ્યાં કેપ્ટન વરૂણના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ રહે છે. તેઓ કોલોનીના જે એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં ટેન્ટ લગાવવામાં આવ્યો છે. પાર્થિવ શરીરને ત્યાં અડધો કલાક માટે રાખવામાં આવશે. અનેક પરિવારજનોએ તેમના દર્શન નથી કર્યા તેમને સૌથી પહેલા જવા દેવામાં આવશે. 17 ડિસેમ્બરના રોજ સવારે 11:00થી 12:00 વાગ્યા વચ્ચે બૈરાગઢ વિશ્રામ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.