- અંતે PG NEET કાઉન્સેલિંગ માટે મહત્વનો નિર્ણય
- હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાણકારી આપી
નવી દિલ્હી: અંતે PG NEET કાઉન્સેલિંગને લઇને મહત્વનો નિર્ણય આવ્યો છે. હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. જુનિયર ડોક્ટરો માટે આ પ્રક્રિયા ચાલુ થશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, આરોગ્ય મંત્રાલય દ્વારા નિવાસી ડોક્ટરોને આપવામાં આવેલી ખાતરી અનુસાર, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 12મી જાન્યુઆરી, 2022થી MCC દ્વારા NEET-PG કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેનાથી દેશને કોવિડ સામે લડાઇમાં વધુ તાકાત મળશે. તમામ ઉમેદવારોને મારી શુભેચ્છાઓ.
અગાઉ, NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. તેમની 14-દિવસીય હડતાલ ગયા શુક્રવારે સમાપ્ત થઈ જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 6 જાન્યુઆરીએ કોર્ટની સુનાવણી પછી તરત જ NEET-PG કાઉન્સેલિંગ પ્રોગ્રામ સાથે આવવાની ખાતરી આપી. રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ વિરોધ કરી રહેલા કેટલાક ડોક્ટરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી હતી. સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી હતી.
સુપ્રીમ કોર્ટે બીજી તરફ નીટ-પીજી 2021માં ઓબીસી અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે અન્ય પછાત વર્ગો વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામત અને આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતની માન્યતાને સમર્થન આપ્યું હતું.