Site icon Revoi.in

ગુલશનકુમાર હત્યાકાંડ: બોમ્બે હાઇકોર્ટે દોષિત રઉફ મર્ચન્ટની આજીવન કેદની સજા રાખી યથાવત્

Social Share

નવી દિલ્હી: ગુલશનકુમાર હત્યા કેસ સંબંધિત અરજી પર હવે ચુકાદો આવી ચૂક્યો છે. બોમ્બે હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં હત્યાના એક દોષિત રઉફ મર્ચન્ટની સજાને યથાવત્ રાખવામાં આવી છે. રઉફ મર્ચન્ટ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો સાથી છે જેને સેશન કોર્ટ આજીવન કેદની સજા સંભળાવી હતી. હાઇકોર્ટે રમેશ તોરાની અંગેની મહારાષ્ટ્ર સરકારની અરજી જો કે ફગાવી દીધી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રાશિદ, જેને અગાઉ સેશન્સ કોર્ટે છોડી મૂક્યો હતો તેને પણ હાઇકોર્ટે દોષિત ઠેરવ્યો હતો. આ કેસ જસ્ટિસ જાધવ અને જસ્ટિસ બોરકેર ચુકાદો આપ્યો હતો.

આપને જણાવી દઇએ કે ટી સિરીઝ કંપનીના માલિક ગુલશનકુમારની મુંબઇના અંધેરી વિસ્તારમાં આવેલા એક મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક લોકો પર હજુ પણ કેસ ચાલી રહ્યો છે.

ગુલશનકુમાર મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા હતા અને તે દરમિયાન હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તપાસમાં એવી વાત સામે આવી હતી કે અંડરવર્લ્ડના ડોન અબુ સાલેમના ઈશારે તેના સાથીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. ગુલશનકુમારના પિતાની જ્યૂસની દુકાન હતી પરંતુ ગુલશનકુમારે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી. તેમણે ટી સિરીઝની સ્થાપના કરી જે સંગીત જગતમાં દેશની જાણીતી કંપનીઓમાંથી એક છે. ભક્તિ સંગીતની કેસેટો દ્વારા ગુલશનકુમારે સમગ્ર દેશમાં સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું હતું. ટી સિરીઝે અનેક ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે.

ગુલશનકુમાર કેસ સંબંધિત કુલ ચાર અરજી બોમ્બે હાઈકોર્ટમાં આવી હતી. જેમાંથી 3 અપીલ રઉફ મર્ચન્ટ, રાકેશ ચંચલા પિન્નમ અને રાકેશ ખાઓકરને દોષિત ઠેરવવા વિરુદ્ધ હતી. જ્યારે અન્ય અરજી મહારાષ્ટ્ર સરકારે દાખલ કરી હતી.