- કાશ્મીર મુદ્દે તાલીબાને આપ્યું નિવેદન
- આ નિવેદનથી પાકિસ્તાનના અરમાનો પર પાણી ફરી વળ્યું
- તે કાશ્મીર મુદ્દે કોઇપણ પ્રકારે હસ્તક્ષેપ કરશે નહીં: અનસ હક્કાની
નવી દિલ્હી: અમેરિકી સૈનિકોની ઘરવાપસી બાદ હવે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. જો કે આ વચ્ચે પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્વ ઉક્સાવવાની હરકત કરી રહ્યું છે અને કાશ્મીર મુદ્દે કાવતરું ઘડવાની કોશિશ કરી રહ્યું છે જો કે તાલિબાને પાકિસ્તાનની આ આશા પર પાણી ફેરવી દીધુ છે. તાલિબાને સ્પષ્ટતા કરી છે કે તે કાશ્મીર મુદ્દે કોઇપણ પ્રકારે હસ્તક્ષેપ કરશે નહીં.
પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવતા તાલિબાની નેતા અનસ હક્કાનીએ કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાનનો આંતરિક મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે, અમે કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરીશું નહીં. આપને જણાવી દઇએ કે અનસ હક્કાની, હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીના સૌથી નાના પુત્ર છે.
પાકિસ્તાન હક્કાની નેટવર્કની નિકટ છે અને તે કાશ્મીરમાં સતત હસ્તક્ષેપ કરી રહ્યું છે તો શું તમે પાકિસ્તાનને સમર્થન આપવા માટે કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરશો? જેના પર અનસ હક્કાનીએ કહ્યું કે, કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રનો ભાગ નથી અને હસ્તક્ષેપ નીતિની વિરુદ્વ છીએ. અમે અમારી નીતિ વિરુદ્વ કેવી રીતે જઇ શકીએ? આથી અમે આ મુદ્દે હસ્તક્ષેપ કરીશું નહીં.
શું કાશ્મીર મુદ્દે હક્કાની નેટવર્ક જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબાનું સમર્થન નહીં કરે? જેના જવાબમાં અનસ હક્કાનીએ કહ્યું કે અમે અનેકવાર સ્પષ્ટ કરી ચૂક્યા છીએ અને ફરીથી કહીએ છીએ કે આ માત્ર એક પ્રોપગેન્ડા છે.
અનસ હક્કાનીએ ભારત સાથેના સંબંધો પર કહ્યું હતું કે, અમે ભારત સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ. અમે નથી ઇચ્છતા કે કોઇ અમારા વિશે ખોટું વિચારે. ભારતે 20 વર્ષ સુધી અમારા દુશ્મનોની મદદ કરી, પરંતુ અમે બધુ ભૂલીને સંબંધો આગળ વધારવા માટે તૈયાર છીએ.
પાક. સેના તેમજ ISI સાથે જોડાણ અને ભાવિ અંગે અનસ હક્કાનીએ ઉમેર્યું હતું કે, 20 વર્ષ સુધી અમે સંઘર્ષ કર્યો અને આ દરમિયાન અમારા વિશે ખૂબ નકારાત્મક પ્રોપગેન્ડા ફેલાવવામાં આવ્યો. જે બધુ ખોટું છે. હક્કાની નેટવર્ક કઇ નથી અને અમે બધા માટે કામ કરી રહ્યા છીએ.