કોવિડને કાબૂમાં લેવા આ રાજ્યમાં લાગ્યા સખત પ્રતિબંધો, શાળાઓ અને થીયટરો પણ રહેશે બંધ
- કોવિડના વધતા કેસ વચ્ચે હરિયાણા સરકારનું સખત વલણ
- કોવિડને કાબૂમાં લેવા માટે મિનિ લોકડાઉન લાગુ કર્યું
- હરિયાણાના 5 જીલ્લામાં થીયટેરો, શાળાઓ રહેશે બંધ
નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અને હવે ભારતમાં પણ તેના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના ફરીથી કહેર વર્તાવી રહ્યો છે ત્યારે હવે દેશના વિવિધ રાજ્યો કોવિડના પ્રોટોકોલને લઇને વધુ ગંભીર બન્યા છે અને અનેક રાજ્યોમાં સખત નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
બીજી તરફ હરિયાણા સરકારે કોવિડ પર નિયંત્રણ લાદવા માટે હવે સખત પગલાં લેવાનું નક્કી કર્યું છે. હરિયાણા સરકાર દ્વારા 5 જીલ્લા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુરુગ્રામ, સોનિપત, ફરિદાબાદ, અંબાલા, પંચકુલામાં હરિયાણા સરકારે કેટલાક નિયંત્રણો લાગૂ કર્યા છે. હરિયાણાના આ 5 જીલ્લાઓમાં હવે મિનિ લોકડાઉન લદાતા ત્યાં શાળા, કોલેજ તેમજ થિયેટરો બંધ કરવામાં આવ્યા છે.
હરિયાણા સરકારે કોવિડ સંક્રણને કાબૂમાં લેવા માટે ઓફિસોમાં પણ માત્ર 50 ટકા સાથે કામ કરવાની મંજૂરી આપી છે. લગ્ન પ્રસંગોમાં માત્ર 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અંતિમક્રિયામાં 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 5 જીલ્લામાં બજારો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. બાર રેસ્ટોરન્ટ 50 ટકા સિટિંગ કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે. બસ અને રેલવે સ્ટેશને વેક્સિનના બંને ડોઝ લેનારાને પ્રવેશ મળશે.
તે ઉપરાંત એન્ટરટેઇનમેન્ટ પાર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે સ્વિમિંગપુલ માત્ર ટ્રેનિંગ લેનારા માટે જ ખુલ્લા રહેશે. તે ઉપરાંત સામાજીક અંતર, માસ્ક પહેરવું જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે અન્યથા રૂ. 500નો દંડ કરવામાં આવશે.