દેશ કોરોનાને આપશે મ્હાત, કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મંજૂરી મળી
- દેશમાં હારશે કોરોના
- કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી
- એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી મળી
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન ફૂંફાડા મારી રહ્યો છે અને કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોનને મ્હાત આપવા માટે દરેક હથિયાર સાથે તૈયાર છે. દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનએ કોવિડ વેક્સિન કોવોવેક્સ અને કોર્બેવેક્સ તેમજ એન્ટિ-વાયરલ દવા મોલનુપીરવીરના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
કોર્બેવેક્સ દેશમાં બનેલી પ્રથમ ‘RBD પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. તેને હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજીકલ-ઇ દ્વારા નિર્મિત કરવામાં આવી છે. કેન્દ્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ખુશી વ્યક્ત કરી હતી કે, તે હેટ્રિક છે. હવે તે ભારતમાં વિકસિત ત્રીજી રસી બની ગઇ છે. નેનોપાર્ટિકલ વેક્સિન કોવોવેક્સ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં નિર્મિત કરાશે.
એન્ટી વાયરલ દવા મોલનુપીરાવીર અંગે વાત કરતા આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ કહ્યું કે, એન્ટી વાયરલ દવા મોલનુપીરાવીર હવે દેશની 13 કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઇમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.