નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે.
આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું છે. અહીંયા સ્વાસ્થ્ય વિભાગના સ્વાસ્થ્ય કર્મચારીઓએ જનજાતીય ક્ષેત્ર ભરમૌરથી બડગ્રં સુધીનો 40 કિમીનો રસ્તો બરફમાં પગે ચાલીને કાપ્યો હતો અને કિશોરોને વેક્સિન આપી હતી. કો-વેક્સિનનું બોક્સ ઉઠાવીને ટીમે અનેક કલાક સુધી ચાલતાં સફર કરી હતી અને તેઓ બડગ્રાં પહોંચ્યા હતા. આ બધા વચ્ચે ટીમે 3 ગ્લેશિયર્સ પણ પાર કરવા પડ્યા હતા. જો કોઇ સદસ્ય બરફમાં લપસી પડે તો અન્ય સદસ્યો તેને સંભાળી લેતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે ભરમૌરથી નીકળેલી ટીમ મોડી સાંજે બડગ્રાં પહોંચી હતી. ટીમે ગ્રામીણોને વેક્સિનેશન માટે બાળકોને એક જગ્યાએ લાવવા માટે કહ્યું છે કારણ કે, શાળાઓમાં રજા હોવાથી હાલ બાળકો ઘરે છે. શાળાની નજીક આવેલા ગામના બાળકોને વેક્સિન અપાઈ ગઈ છે પરંતુ દૂર રહેતા બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, સ્વાસ્થ્ય કાર્યકર દલીપ કુમાર અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોને વેક્સિન આપવા માટે ગયા છે. ખંડ ચિકિત્સા અધિકારી ભરમૌર ડો. અંકિત માંડલાએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ટીમ ભરમૌરથી બડગ્રાં 40 કિમી ચાલીને ગઈ છે અને 3 દિવસથી ત્યાં જ છે અને તેની કામગીરી કરી રહી છે.