Site icon Revoi.in

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા જાબાંઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન દેહાંત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Social Share

નવી દિલ્હી: તામિલનાડુના હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેનો આબાદ બચાવ થયો હતો અને બેંગલુરુમાં એક આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે દુ:ખદ સમાચાર એ છે કે, આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને દુનિયાને અલવિદા કીધુ છે.

તામિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ અને અન્ય 12 સૈન્ય કર્મીઓ શહીદ થયા હતા અને માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ જ બચ્યા હતા અને સારવાર હેઠળ હતા. અગાઉ મંગળવારે વાયુસેનાએ વરુણ સિંહ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે અને હાલત નાજુક છે તેવી માહિતી આપી હતી.

તેમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે, “ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, શૌર્ય, હિંમત અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની અવિરતપણે સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુ:ખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની અવિરત સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ…

અત્રે જણાવવાનું કે, નેવીમાં ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવી ચૂકેલા વરુણ સિંહ ખૂબ જ અનુભવી પાયલટ હતા. તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને શૌર્ય ચક્રથી નવાજીત કરવામાં આવ્યા હતા. તેજસની ઉડાન દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં સાવચેતી દાખવવા તેમજ સુરક્ષિત રીતે બચાવવા બદલ તેમના આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.