- પ્રતિકૂળ હવામાનને કારણે 11 ટ્રેકર્સ થયા લાપત્તા
- ITBPએ શોધખોળ હાથ ધરી
- આ ટીમમાં આઠ સભ્યો, એક રસોઇયા અને બે માર્ગદર્શક છે
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ટ્રેકિંગ પર ગયેલા કુલ 11 લોકો લાપતા છે. લમખાગા પાસ નજીકમાં આ ટીમ ગુમ થયાની માહિતી છે. આ ટ્રેકિંગ ટીમ લમખાગા પાસ માટે ટ્રેકિંગ માટે ગઇ હતી, પરંતુ 17, 18 અને 19 ના રોજ ખરાબ હવામાનને કારણે આ આખી ટીમ લાપતા છે. આ ટીમમાં આઠ સભ્યો, એક રસોઇયા અને બે માર્ગદર્શક છે.
હવે આ ટ્રેકર્સને શોધવા માટે જીલ્લા વહીવટીતંત્રે ITBPની મદદ માંગી છે. હિમાચલના છ કુલીઓ એક જ ટીમમાં ગયા હતા તેઓ પ્રવાસીઓનો સામાન છોડીને 18 ઑક્ટોબરે ચિતકુલમાં રાણકીંડા પહોંચ્યા હતા, ટ્રેકર્સ, રસોઇ સ્ટાફ ચિતકુલ 19 ઑક્ટોબર સુધી પહોંચી જવાના હતા, પરંતુ બુધવાર સવાર સુધી પ્રવાસી ટીમ અને રસોઇ સ્ટાફનો કોઇ પત્તો લાગ્યો નથી. લાપતા થયેલા 8 ટ્રેકર્સ દિલ્હી અને કોલકાત્તાના રહેવાસી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ લખવાગા પાસ નજીક અટવાઇ ગયા છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર આબિદ હુસેન સાદિકે જણાવ્યું હતું કે આઇટીબીપી અને પોલીસ ગુરુવારે બચાવ કામગીરી શરૂ કરશે.
પશ્ચિમ બંગાળ અને અન્ય સ્થળોના આઠ પ્રવાસીઓની ટીમ 11 ઓક્ટોબરે મોરી સાંકરીની ટ્રેકિંગ એજન્સી મારફતે હર્સિલથી નીકળી હતી. આ ટીમે 13 થી 21 ઓક્ટોબર સુધી લામખાગા પાસ સુધી ટ્રેકિંગ માટે વન વિભાગ ઉત્તરકાશી પાસેથી ઇનર લાઇન પરમીટ પણ લીધી હતી.