- LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્
- હજુ પણ સૈનિકો તૈનાત કરી રહ્યું છે
- ભારતે પણ અપનાવી ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી
નવી દિલ્હી; ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ પર અમેકવાર મંત્રણા છતાં કોઇ પરિણામ મળી રહ્યું નથી જેને લઇને ભારતે કહ્યું હતું કે આ વિવાદ માટે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે LAC પર ચીનના ઉશ્કેરણીજનક વલણ અને યથાવત્ સ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાયોનો પણ યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય પક્ષે સુરક્ષા હિતોનું રક્ષણ કરવા માટે જવાબી તૈનાતી કરી છે.
બીજી તરફ પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા વિવાદ માટે ચીને ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. જે બાદ ભારતે ચીન પર કટાક્ષ કર્યો છે કે, ચીની સેનાની ઉશ્કેરણીજનક વર્તણૂક અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાવત્ સ્થિતિ બદલવાના એકપક્ષીય પ્રયાસે શાંતિને ગંભીર રીતે ખલેલ પહોંચાડી છે.
ચીનની કાર્યવાહીના વળતા પ્રહાર તરીકે ભારતે પણ સૈનિકોની તૈનાતી કરવી પડી છે તેવું વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદર બાગચીએ કહ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચીનના આક્ષેપોને કોઇ આધાર નથી અને ભારત અપેક્ષા રાખે છે કે ચીની પક્ષ બાકીના મુદ્દાઓને ઝડપથી ઉકેલવાની દિશામાં કામ કરે અને જ્યારે દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરે.
ચીને તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે બંને દેશો વચ્ચેના તણાવનું “મૂળ કારણ” નવી દિલ્હીની “આગળ વધવાની નીતિ” અને ચીનના પ્રદેશ પર “ગેરકાયદેસર” અતિક્રમણ છે. આના જવાબમાં ભારતની પ્રતિક્રિયા આવી છે. ચીનના આરોપો પર પત્રકારોના સવાલોના જવાબમાં બાગચીએ કહ્યું કે ભારતે થોડા દિવસ પહેલા આ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને આવા નિવેદનોને ફગાવી દીધા છે જેનો કોઈ આધાર નથી.