અમદાવાદઃ રાજકોટ ખાતે હોકીની નેશનલ ગેમ્સનો ફાઈનલ મેચ અને મેડલ સેરેમની સાથે શાનદાર સમાપન થયું છે. મહિલા હોકીમાં હરિયાણાએ પંજાબ સામે 1-0 ગોલ સાથે અને પુરુષ હોકીમાં કર્ણાટક સડન ડેથમાં ઉત્તરપ્રદેશને ચિત્ત કરી 05-04 ગોલથી ચેમ્પિયન બન્યું હતું. વિજેતા ટીમોને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
જાહેર થયેલા પરિણામો મુજબ મહિલા હોકીમાં ફાઇનલમાં હરિયાણા 01-00થી પંજાબ સામે, ત્રીજા-ચોથા ક્રમ માટે મધ્યપ્રદેશ 05-02 ગોલથી ઝારખંડ સામે વિજેતા બની હતી. જયારે પુરુષ હોકીમાં ફાઇનલમાં કર્ણાટક 02-02 નો બરોબરી બાદ શૂટઆઉટ અને સડન ડેથ બાદ 05-04 થી ઉત્તર પ્રદેશ સામે જયારે ત્રીજા ચોથા ક્રમ માટે મહારાષ્ટ્ર પેનલ્ટી શૂટઆઉટમાં 03-01 ગોલથી હરિયાણા સામે વિજેતા બની હતી.
ફાઈનલ મેચ સહિતની મેચને મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓએ ચીઅરઅપ કરી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટ ખાતે ખરા અર્થમાં યુનિટી સાથે તમામ મેચનું સુનિયોજિત આયોજન કરવામાં આવતા રાજકોટ વાસીઓમાં ખેલ પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળ્યો છે.