CDS બિપિન રાવતના હેલિકોપ્ટરને કેમ નડ્યો હતો અકસ્માત? તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપાયો, ટૂંકમાં જાણવા મળશે કારણ
- જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું
- આ માટેનો તપાસ રિપોર્ટ રક્ષામંત્રીને સોંપવામાં આવ્યો
- આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે
નવી દિલ્હી: ગત વર્ષે ડિસેમ્બર માસ દરમિયાન તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશના અકસ્માતની તપાસ હવે પૂર્ણ થઇ ચૂકી છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ વિસ્તૃત રિપોર્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. હેલિકોપ્ટર કેવા સંજોગોમાં ક્રેશ થયું તેની જાણકારી ટૂંક સમયમાં દેશની સમક્ષ આવશે. આપને જણાવી દઇએ કે આ ઘટનાની તપાસ ટ્રાઇ સર્વિસીઝની ટીમે કરી છે.
આ રિપોર્ટમાં દુર્ઘટના ક્યાં કારણોસર થઇ તેની માહિતી અપાઇ છે તેમજ ભાવિમાં ચોપરના સંચાલનને લઇને કેટલાક સૂચનો તેમજ ભલામણો કરાઇ છે.
આપને જણાવી દઇએ કે તામિલનાડુના સુલુર એરબેસથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જતી વખતે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 12 સૈન્ય કર્મીઓ શહીદ થયા હતા.
એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વવાળી તપાસ ટીમે રક્ષામંત્રી રાજનાથ સિંહને વિસ્તારથી જાણકારી આપી અને જણાવ્યું કે આખરે કઈ સ્થિતિમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સાથે જ ટીમે એમ પણ જણાવ્યું કે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ કમિટીએ વાયુસેના અને આર્મી સંબંધિત અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યા. આ સાથે જ એ તમામ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી જે આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. આ ઉપરાંત તે મોબાઈલ ફોનની પણ તપાસ કરાઈ જેના દ્વારા હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા વીડિયો શૂટ કરાયો હતો.