- અખંડ ભારતની જરૂરિયાતની RSS વડા ડૉ. મોહન ભાગવતની હિમાયત
- જો હિંદુઓને હિંદુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું પડશે
- ભારત હિંદુસ્તાન છે અને હિન્દુ અને ભારતને અલગ કરી શકાય નહીં
નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવતે અખંડ ભારતની જરૂરિયાતની હાકલ કરી હતી અને કહ્યું હતું કે, ભારત હિન્દુસ્તાન છે અને જો હિંદુઓને હિંદુ જ રહેવું હોય તો ભારતે અખંડ બનવું પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં જોવામાં આવ્યું છે કે, હિંદુઓની સંખ્યા અને શક્તિ ઓછી થઇ ગઇ છે અથવા હિન્દુત્વની ભાવના ઓછી થઇ ગઇ છે. ભારત હિંદુસ્તાન છે અને હિન્દુ અને ભારતને અલગ કરી શકાય નહીં.
શિવપુરી લિંક રોડ પર સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં એક ઘોષ શિબિર શરૂ થઇ. RSS સુપ્રીમો ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે જેનું મૂળ હિન્દુત્વમાં છે અને હિન્દુ અને ભારત અવિભાજ્ય છે. જો હિંદુઓએ હિંદુ રહેવું હોય તો ભારત અખંડ બનવું જોઇએ.
સંઘ પ્રમુખે હિંદુત્વ વિશે વાત કરતા કહ્યું હતું કે, ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે પણ હિંદુઓ ભાવ ભૂલી જાય છે, ત્યારે દેશ મુશ્કેલીમાં હોય છે અને તે તૂટી જાય છે પરંતુ હવે ફરીવાર ફરી રહ્યા છે. આ સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે. આજે વિશ્વ ભારત તરફ નજર રાખે છે અને તેના માટે સમાજના દરેક વર્ગે સંયુક્તપણે એકજૂટ થઇને કામ કરવું અનિવાર્ય છે.
તેમણે અખંડ ભારતની હિમાયત કરતા કહ્યું કે, જો ભારતે ભારત રહેવું હોય તો હિંદુ રહેવું પડશે અને જો હિંદુઓએ હિંદુ રહેવું હોય તો ભારત એક થાય તે આવશ્યક છે. આ હિંદુસ્તાન છે જ્યાં હિંદુઓ રહે છે અને તેમની પરંપરાઓનું પાલન કરે છે. જેને હિંદુ કહેવાય છે તે આ ભૂમિમાં વિકસ્યું.
ભાગવતે હિંદુ અને ભારત એકબીજાના પૂરક હોવાનું જણાવતા કહ્યું કે, હિંદુઓ વિના ભારત અને ભારત વિના હિંદુ નથી. ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું કારણ કે આપણે એ લાગણી ભૂલી ગયા છીએ કે આપણે હિંદુ છીએ.