- તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી
- જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે
- આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનો પ્રયાસ કરશે. કોંગ્રેસ માટે તો યુપીમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર છે જ્યારે સમાજવાદી પાર્ટીએ પણ ખૂબ જ પ્રયાસો કરવા પડશે. ભાજપ પણ એડીચોટીનું જોર લગાવીને આ વખતે કોઇ કચાશ રાખવા માંગતું નથી.
આ વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે તાલિબાનને ચેતવણીને લઇને કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ જ બળવાન છે. કોઇ દેશની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નથી કરતું. આજે તાલિબાનથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પરેશાન છે પરંતુ તાલિબાનીઓ એ સારી રીતે જાણે છે કે ભારત તરફ વધ્યા તો એરસ્ટ્રાઇક થવી નિશ્વિત છે.
યોગીએ વધુમાં ઉમેર્યું હતું કે, મોહમ્મદ ઘોરી અને ગાઝીના વોટબેંકના ભયથી કેટલાક લોકો હિંદુ રક્ષક મહારાજા સુહેલદેવથી ડરી રહ્યા છે, તેમને ડર છે કે મહારાજાનું સ્મારક બનવાથી લોકો ગાઝીને ભૂલી જશે. આ જ ભયથી લોકો મહારાજા સુહેલદેવના સ્મારકનો વિરોધ કરી રહ્યા છે.
બીજી તરફ યોગી આદિત્યનાથે સમાજવાદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે શું અયોધ્યામાં રામભક્તોની નિર્મમ હત્યા કરનારાઓ દેશની માફી માંગશે? અદાલતે પણ અંતે તો અમને જ સાચા માન્યા અને આજે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.