- કોવિડ-19ની સારવાર માટેની પતંજલિની કોરોનિલ ટેબલેટને લઇને વિવાદ
- IMAએ સવાલ કર્યો કે સ્વાસ્થ્ય મંત્રી ખોટી રીતે પ્રદર્શિત ઉત્પાદનને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે
- WHOએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ કોઇ કોરોનિલ દવાને પ્રમાણિત કરી નથી
નવી દિલ્હી: કોવિડ-19ની સારવારમાં સહાયક દવાના રૂપમાં પંતજલિની કોરોનિલ ટેબલેટને આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. કંપનીને આ ટેબલેટમાં પ્રમાણપત્ર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પ્રમાણિત યોજના અંતર્ગત મળ્યું છે. પતંજલિને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં કોરોનિલ માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળવાની જાહેરાત કરી હતી. જો કે આ બાદ હવે એક નવો વિવાદ શરૂ થઇ ગયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેની નિંદા કરી છે. IMAએ સવાલ કર્યો છે કે, સ્વાસ્થ્ય મંત્રી ખોટી રીતે પ્રદર્શિત તેમજ અવૈજ્ઞાનિક ઉત્પાદનને દેશ સામે પ્રોત્સાહિત કેવી રીતે કરી શકે.
હકીકતમાં, બાબા રામદેવ દ્વારા કોરોનિલ લોન્ચ બાદ WHOએ સ્પષ્ટતા કરી હતી કે. સંગઠને કોવિડ-19ની સારવાર કે રોકવા માટે કોઇપણ પરંપરાગત દવાની સમીક્ષા કે તેને પ્રમાણિત કરી નથી. IMAએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી જે પોતે એક ડોક્ટર છે, તેમની ઉપસ્થિતિમાં લોન્ચ કરાયેલી દવાને WHOએ પ્રમાણિત કરી હોવાનું ખોટું બોલાયું, જે ચોંકાવનારું છે. IMAએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રીએ તેનો જવાબ આપવો જોઇએ.
IMAએ પૂછ્યું કે, ભારતના સ્વાસ્થ્યમંત્રી હોવાના કારણે સમગ્ર દેશની સામે આવા ખોટા અનુમાનો જાહેર કરવું કેટલું યોગ્ય અને તર્કસંગત છે. સ્વાસ્થ્યમંત્રી હોવાના કારણે સમગ્ર દેશના લોકો માટે આ રીતે ખોટી રીતે પ્રદર્શિત કરાયેલા ઉત્પાદનો જાહેર કરવા કેટલું યોગ્ય છે. સ્વાસ્થ્ય મંત્રી હોવાના કારણે સમગ્ર દેશમાં અનૈતિક, ખોટા અને ખોટી રીતે ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય છે. સ્વાસ્થ્ય મંત્રી એક ડોક્ટર હોવાના કારણે દેશના નાગરિકો સમક્ષ અવૈજ્ઞાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવું કેટલું યોગ્ય છે.
IMAએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રીએ સમગ્ર દેશમાં એક અવૈજ્ઞાનિક દવાને ખોટી અને અનુમાનિત દવા જેનો દાવો WHOએ ફગાવી દીધો, દેશના લોકો માટે અપમાનજનક છે અને આ તેમને દગો આપવા બરાબર છે. IMAએ પૂછ્યું કે જો કોરોનિલ ખરેખર કોરોનાથી બચાવવામાં અસરકારક છે કે સરકાર રસીકરણ પર 35 હજાર કરોડ રૂપિયા કેમ ખર્ચી રહી છે.
(સંકેત)