નવી દિલ્હી: દેશમાં ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યા બાદ કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સચિવ આરતી આહુજાએ રાજ્યોને લેટર પાઠવીને કોરોના ટેસ્ટિંગ વધારવાનું કહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એડિશનલ સચિવ આરતી આહુજાએ કોરોના ટેસ્ટિંગ વધારવા અંગેના નિર્દેશ આપતા લખ્યું છે કે, હાલમાં ઓમિક્રોન સમગ્ર દેશમાં ફેલાઇ રહ્યો છે. મંત્રાલયના પહેલા લેટર અને ગત વર્ષે 27 ડિસેમ્બરે ઓમિક્રોનના સંદર્ભમાં મહામારી પ્રબંધનની વ્યાપક રૂપરેખા તૈયાર કરવાની ગૃહ મંત્રાલયની સલાહનો ઉલ્લેખ કરીને આહુજાએ કહ્યું કે, કોરોના કાળમાં ટેસ્ટિંગ મહત્વપૂર્ણ છે. જો કે ICMR પોર્ટલ પરના આંકડાથી સ્પષ્ટપણે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટેસ્ટિંગમાં ઘટાડો થયો હોવાનું જોઇ શકાય છે.
ICMR દ્વારા જારી તમામ સલાહ સૂચનોમાં ત્વરિત આઇસોલેશન અને ટેસ્ટિંગ ઝડપી બનાવવાનો છે. જે વધારે જોખમ ધરાવતા હોય અને સંવેદનશીલ હોય તેમના રણનીતિક તપાસ દ્વારા બીમારીને ગંભીર થતા અટકાવી શકાય છે તેવું આરતી આહુજાએ લેટરમાં જણાવ્યું છે.
તેમણે રાજ્યોને વ્યૂહાત્મક રીતે કેન્દ્રીત તપાસની સલાહ આપી છે. તેમણે કહ્યું કે નવી સલાહને સ્વાસ્થ્ય મંત્રાલયના નિયમોની સાથે વાંચવાની જરુર છે જેમાં એવી પણ સલાહ સામેલ છે કે જેઓ નબળા છે અને ગીચ વિસ્તારમાં રહે છે તેમની પદ્ધતિસરની તપાસ કરવાની જરુર છે.
કેન્દ્ર સરકારે કોરોનાના ઇલાજ માટે નવી ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સ્ટીરોઇડ દવાનો ઉપયોગ ન કરવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ કરવામાં આવી છે.