- અનિલ દેશમુખ બાદ અજીત પવાર પર કસાયો સંકજો
- IT વિભાગે 1 હજાર કરોડની બેનાની સંપત્તિ જપ્ત કરી
- તેમાં ફ્લેટ્સ, બંગલો, રિસોર્ટ સહિતની સંપત્તિ જપ્ત
મુંબઇ: ખંડણી અને મની લોન્ડરિગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ હવે ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્વ પણ સકંજો કસાયો છે. અજીત પવાર વિરુદ્વ એક્શન લેતા ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજીત પવારની 1 હજાર કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.
ઇનકમટેક્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં દક્ષિણી દિલ્હી સ્થિત 20 કરોડનો ફ્લેટ છે. નિર્મલ હાઉસ સ્થિત પાર્થ પવાર ઓફિસની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. જરંદેશ્વર શુગર ફેક્ટરી લગભગ 600 કરોડની છે. આ ઉપરાંત ગોવામાં 250 કરોડનું રિસોર્ચ નિલયા છે. હવે જ્યારે આ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે ત્યારે અજીત પવારે આ પ્રોપર્ટીઝ બેનામી સંપત્તિથી નથી ખરીદી તે સાબિત કરવા માટે 90 દિવસનો સમય અપાશે.
આપને જણાવી દઇએ કે આવકવેરા વિભાગે ગત મહિને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય કથિત રૂપથી જોડાયેલા ઓછામાં ઓછા 70 સ્થળો પર દરોડા પાડ્યા હતા. વિભાગે કહ્યું હતું કે, આ દરોડા દરમિયાન 184 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના પુરાવા પ્રાપ્ત થયા હતા, તે ઉપરાંત 2.13 કરોડ રૂપિયાની બેનામી રોકડ અને 4.32 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરાયા હતા.
નોંધનીય છે કે, અગાઉ એક મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સોમવારે રાત્રે ધરપકડ કરી હતી. અનિલ દેશમુખની બળજબરીપૂર્વકની વસૂલાત અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ તેની ધરપકડ કરાઇ છે.