તંબાકુ અને તેની જાહેરાતો દેખાડતી ફિલ્મો પર વધુ ટેક્સ લગાડવાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ
- લોકોને તંબાકુથી દૂર રાખવા માટે તંબાકુ પર ટેક્સ વધારવા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અપીલ
- તંબાકુની જાહેરાતો પર પણ વધુ ટેક્સ લગાડવાની માંગણી
- તેનાથી લોકોને તંબાકુથી દૂર રાખવામાં સફળતા મળશે: આયોગ
નવી દિલ્હી: તંબાકુ અને તેની જાહેરાતો આપણને અનેક ફિલ્મો અને ઓટીટી કાર્યક્રમો દરમિયાન જોવા મળતી હોય છે ત્યારે તેના પર વધુ ટેક્સ લાદવાની ભલામણ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કરી છે. આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનૂનગોએ કહ્યું કે, તંબાકુ સરળતાપૂર્વક મળી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે.
આ વચ્ચે તંબાકુની પ્રોડક્ટ તેમજ તેની જાહેરાતોને પ્રોત્સાહન આપતા મીડિયા પર વધારે ટેક્સની વસૂલાત કરવી જોઇએ. તંબાકુ પર ટેક્સ લાદવાથી તેની સહેલાઇથી ઉપલબ્ધતા ઘટી જશે. જ્યારે તેની જાહેરાતો દર્શાવનારી ફિલ્મો અને ઓટીટી પર પણ ટેક્સ વધારવાથી સરકારની આવક વધશે. સરકાર ત્યારબાદ આ ફંડનો ઉપયોગ તંબાકુના સેવનથી થતી બીમારીથી જે લોકો પીડિત છે તેની સારવાર અર્થે કરશે.
આપને જણાવી દઇએ કે 12 થી 18 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય યુવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક નિષ્ણાતોએ ભારતને તંબાકુ મુક્ત કરવાનું આહ્નાન કર્યું છે. વધુ ટેક્સ લગાવવાથી તેના વેચાણ પર એક રીતે અંકુશ લાગશે તેવું આયોગના અધ્યક્ષે કહ્યું હતું. તે ઉપરાંત આયોગે સરકાર સમક્ષ અપીલ કરી છે કે તંબાકુ પર વધુ ટેક્સ લગાવીને તેને લોકોથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે.