Site icon Revoi.in

ભારતીય સેનામાં રચાશે ઇતિહાસ, પ્રથમ વખત મહિલા સૈનિકોની ટૂકડી થશે સામેલ

Social Share

નવી દિલ્હી: ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઇતિહાસ રચાશે. આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે.

આપને જણાવી દઇએ કે સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી અને હવાલદારની પોસ્ટ પર તૈનાત કરવાનો નિર્ણય વર્ષ 2017માં લેવાયો હતો. એ પછી ડિસેમ્બર 2019માં 101 મહિલાઓની તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. હાલમાં બેંગ્લુરુ ખાતે કોર ઑફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે. આ ટ્રેનિંગની શરૂઆત જાન્યુઆરીમાં થઇ હતી. કુલ 61 સપ્તાહની ટ્રેનિંગ મહિલાઓને લેવી પડશે.

વર્તમાન સમયની વાત કરીએ તો ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે. જેની શરૂઆત વર્ષ 1992માં થઇ હતી. તે વખતે મહિલાઓની સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફ્ટનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઇ શકતી હતી. હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પ્રથમ વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.

ભારતીય સેના 2030 સુધીમાં 1700 મહિલા સૈનિકોને સેનામાં મિલિટરી પોલીસ તરીકે સામેલ કરવા માંગે છે. બીજી તરફ 2019માં સેનાએ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાનુ પણ એલાન કર્યુ હતુ.આ નિર્ણયના કારણે હવે મહિલા અધિકારીઓ કર્નલ, બ્રિગેડિયર કે જનરલ રેન્કના હોદ્દા સુધી પહોંચવા માટે પણ લાયક બનશે.

(સંકેત)