સંકેત.મહેતા
- કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારું તારણ સામે આવ્યું
- કોવિડ-19ના 7000 વેરિયંટ્સમાં 24,000 મ્યૂટેશન્સ (ફેરફાર) જોવા મળ્યા
- જો કે દેશમાં વધતા કેસ પાછળ આ મ્યૂટેશન્સ છે કે નહીં તે અંગે હજુ સંશોધન ચાલી રહ્યું છે
કોરોના વાયરસને લઇને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા એક વર્ષમાં કોરોના વાયરસના સ્ટ્રેનમાં 24,000 વખત ફેરફાર કે બદલાવ જોવા મળ્યા છે.
દેશમાં જોવા મળતા કોરોના વાયરસના 7000 વેરિયન્ટ્સમાં આ પ્રકારના ફેરફાર જોવા મળ્યા છે. આ 7000 વેરિયન્ટ્સ હાલ દેશમાં જોવા મળી રહ્યા છે.
કોવિડ-19 માટે ગઠિત નેશનલ ટાસ્ક ફોર્સના એક મુખ્ય સભ્યએ જણાવ્યું હતું કે, દેશમાં જોવા મળતા 7,000 વેરિયંટ્સમાં 24,300 જેટલા મ્યુટેશન્સ જોવા મળ્યા છે.
ગત વર્ષે યુકે, સાઉથ આફ્રિકા તેમજ વિશ્વના અન્ય ભાગોમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા વેરિયંટ્સ બાદ ડિસેમ્બરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવેલી જેનોમિક કોન્સોર્ટિયાનો ભાગ રહેલી લેબોરટરીઝમાં પણ આ માહિતી આપવામાં આવી હતી.
INSACOG એ 10 લેબનું સમૂહ છે જેમાં ડીબીટી-એઆઇબીએમજી કલ્યાણી, ડીબીટી-આઇએલએસ ભુવનેશ્વર, આઇસીએમઆર-એનઆઇવી પુણે, ડીબીટી-એનસીસીએસ પૂણે, સીએસઆઇઆર-સીસીએમબી હૈદરાબાદ, ડીબીટી-ઇનસ્ટેમ, એનઆઇએમએચએએનએસ, CSIR-IGIB Delhi તેમજ એનસીડીસી-દિલ્હીનો સમાવેશ થાય છે. દેશમાં કોવિડ-19ના જોવા મળતા વેરિયંટ્સમાં સમયાંતરે થતા ફેરફારનું મૂલ્યાંકન કરવા માટે આ સમૂહની સ્થાપના કરાઇ છે.
NCDCના ડાયરેક્ટર સુજીત કુમાર સિંઘે પણ દેશમાં કોરોના વાયરસ વેરિયંટ્સના 24,000 મ્યુટેશનની વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમને 6,000 વેરિયંટ્સમાં આ પ્રકારના મ્યુટેશન્સ જોવા મળ્યા છે અને ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયેલા વાયરસના ટ્રેન્ડને જાણવા માટે ડેટા એકત્ર કરતા આંતરરાષ્ટ્રીય સમૂહને આ વિગતો મોકલવામાં આવી છે.
દેશમાં જે રીતે ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે તેની પાછળ નોવેલ કોરોના વાયરસના અનેકવિધ ન ઓળખાયેલા સ્ટ્રેઇન્સ હોઇ શકે છે. આ જ કારણોસર છેલ્લા કેટલાક સપ્તાહથી દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળ અને મહારાષ્ટ્રમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ પંજાબ, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં પણ સંક્રમણના પ્રસાર પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
જો કે, સિંઘે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, દેશમાં વધતા કોરોના કેસ પાછળ આ મ્યુટેશન્સ જવાબદાર હોય તેવા કોઇ પુરાવા હજુ સુધી મળ્યા નથી. અત્યારસુધી અનેક રાજ્યોમાં વધતા કેસ અને કેટલાક વેરિયંટ્સ વચ્ચે કોઇ સંબંધ કે જોડાયેલી કડી જોવા મળી નથી. તે હાલમાં પરીક્ષણના તબક્કા હેઠળ છે.
સમગ્ર વિશ્વમાં 2 લાખ જેટલા કોરોના વાયરસના મ્યુટેશન્સ જોવા મળ્યા છે. પરંતુ શું આ મ્યૂટેશન્સને કારણે કેસમાં ઉછાળો થયો છે. મ્યૂટેશન્સ એ ઉત્ક્રાંતિ દરમિયાનની કુદરતી પ્રક્રિયા છે. જો હાલમાં વધતા કેસમાં જો કોઇ ફેરફાર જોવા મળે તો જે તેને જોડી શકાય.
INSACOG લેબ્સની જ એક લેબ કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ – સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજીએ એક સંશોધન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, N440K નામનો કોરોના વાયરસનો નવો પ્રકાર દેશના દક્ષિણના રાજ્યોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.
નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના 5,000 વેરિયંટ્સ અને મહામારી દરમિયાન તેના ક્રમિક વિકાસ અંગેના તારણો પ્રસ્તુત કર્યા છે. આ તારણોમાં કોરોના વાયરસના મ્યૂટેશન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મ્યૂટેશન્સની કુદરતી પ્રક્રિયાને કારણે કોરોના વાયરસના વેરિયંટ્સ સતત વધતા રહેશે.