નવી દિલ્હી: કાશ્મીરમાં તાજેતરમાં થઇ રહેલી હત્યાઓ તેમજ માનવાધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડને લઇને યુએન માનવાધિકાર કાર્યાલયે ટીકા કરી હતી. તેની આ ટીકાને ભારતે નિરાધાર અને પાયાવિહોણા આરોપો ગણાવ્યા હતા.
હકીકતમાં, પરવેઝની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળની ધરપકડ પર યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સના કાર્યાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને એવી ટીકા કરી હતી કે, આ વર્ષે કાશ્મીરમાં સશસ્ત્ર જૂથો દ્વારા સીપીઆઇએમના સભ્યો સહિત સામાન્ય નાગરિકોની હત્યાથી ચિંતિત છે.
ભારતે યુએન માનવાધિકાર કાર્યાલયની ટીકા પર પલટવાર કરતા કહ્યું હતું કે, કાયદા અમલીકરણ અધિકારીઓ અને ભારતના સુરક્ષા દળો સામે પાયાવિહોણા આરોપો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું હતું કે, સીમાપર આતંકવાદથી ભારત સામેના સુરક્ષા પડકારો અને જમ્મૂ કાશ્મીર સહિતના નાગરિકો માટે જીવનના અધિકારના સૌથી મૂળભૂત માનવ અધિકારો પર તેની અસરની યુએન એજન્સીની ટીકા સમગ્ર સમજણ સાથે દગો કરે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ એમ પણ કહ્યું હતું કે યુએન એજન્સી દ્વારા “પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોનો ‘સશસ્ત્ર જૂથો’ તરીકે ઉલ્લેખ કરવો એ OHCHR તરફથી સ્પષ્ટ પૂર્વગ્રહ દર્શાવે છે.” “લોકશાહી દેશ તરીકે, તેના નાગરિકોના માનવાધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે, ભારત સીમા પારના આતંકવાદનો સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લે છે,”
તેમણે કહ્યું કે UAPA જેવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા સંસદ દ્વારા ભારતની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા અને તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘડવામાં આવ્યા છે અને પરવેઝની ધરપકડ અને ત્યારબાદ અટકાયત “સંપૂર્ણપણે કાયદાની જોગવાઈઓ અનુસાર” કરવામાં આવી છે.