100 કરોડ વેક્સિનેશનની ઉપલબ્ધિ: પીએમ મોદીએ કહ્યું – ભારતને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા ક્વચ પ્રાપ્ત થયું છે
- ભારતની 100 કરોડની વેક્સિનેશનની ઉપલબ્ધિ પર પીએમ મોદીનું સંબોધન
- આજે આ ઉપલબ્ધિ સાથે આપણને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા ક્વચ મળ્યું છે
- આપણે બધાએ એકજૂટ થઇને કોરોનાને મ્હાત આપવાની છે: પીએમ મોદી
નવી દિલ્હી: ભારતે આજે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડના વેક્સિનેશનનો જાદુઇ આંકડો પાર કર્યો છે. આ ઉપલબ્ધિ પર સમગ્ર દેશ ઉત્સાહિત અને આનંદિત થયો છે. આ અવસરે દેશના અનેક શહેરોમાં ઉજવણીના કાર્યક્રમોની યોજના છે. આ અવસર પર દેશભરમાં કાર્યક્રમનું આયોજન કરીને વેક્સિનેશનમાં યોગદાન પ્રદાન કરનાર લોકોની આભાર વિધિ કરાશે.
આ ઉપલબ્ધિ બાદ પીએમ મોદી દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ આરોગ્ય કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. અહીંયા પીએમ મોદીની સામે જ બનારસના દિવ્યાંગ અરુણ રોયનો 100 કરોડનો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ ઉપલબ્ધિ પર પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશને 100 કરોડ વેક્સિનનું સુરક્ષા ક્વચ પ્રાપ્ત થયું છે. મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ જોડાયેલા દરેક લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે એક ઉત્સાહ અને એક જવાબદારી પણ છે કે આપણે બધાએ એકજૂટ થઇને કોરોનાને મ્હાત આપવાની છે.
આ ઉપરાંત પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, ભારતે ઇતિહાસ રચ્યો છે. આજે આપણેભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ. 100 કરોડ વેક્સિનેશન માટે ભારતને અભિનંદન. આપણા ડૉક્ટરો, નર્સો તેમજ આ ઉપલબ્ધિ માટે કામ કરનાર પ્રત્યેક લોકોનો આભાર.