દુશ્મનોના છક્કા છૂટશે, ભારત સરહદ પર તૈનાત કરશે S-400 ડિફેન્સ સિસ્ટમ, પ્રથમ યુનિટ એપ્રિલ સુધી કાર્યરત થશે
નવી દિલ્હી: ભારત હવે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા અને તેઓના બદઇરાદાઓને નાકામ કરવા માટે સજ્જ છે. ભારતે હવે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાની કામગીરી શરૂ કરી છે. તે રશિયામાં નિર્મિત સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઇલ સિસ્ટમ છે. જેનું પ્રથમ યુનિટ એપ્રિલમાં કાર્યરત થશે. ચીન તરફથી દરેક પ્રકારના ખતરાનો સામનો કરવા માટે તમામ પાંચ યુનિટને સૌથી સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવે તેવી સંભાવના હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
S-400 એ એક એવી મિસાઇલ સિસ્ટમ છે જે 40 કિમીથી 400 કિમીની વચ્ચેના અંતરે દુશ્મનોના એરક્રાફ્ટ અને મિસાઇલને નિશાન બનાવીને ધ્વસ્ત કરી શકે છે. ભારતે તેને વર્ષ 2018માં રશિયા સાથે 5 બિલિયન ડોલરની સમજૂતી હેઠળ ખરીદી રહ્યું છે. આ તમામ પાંચ એકમો આગામી વર્ષ સુધી કાર્યરત થાય તેવી સંભાવના છે.
બીજી તરફ ચીને પણ બે S-400 સિસ્ટમોની તૈનાતી કરી છે. જ્યારે બાકીની ત્રણને ઇન્ડો-પેસિફિક ખતરાનો સામનો કરવા માટે તૈનાત કરાઇ છે. આ દરમિયાન ભારત પર અમેરિકાના પ્રતિબંધોનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. ડે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંકશન્સ એક્ટ હેઠળ લાદવામાં આવી શકે છે. રશિયા પાસેથી શસ્ત્રો ખરીદનારા દેશો પર અમેરિકાએ પહેલા જ પ્રતિબંધો લગાવ્યા છે.
અમેરિકાને અત્યારે ચીન સૌથી વધુ ખટકી રહ્યું છે. બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ચીનના વધતા વર્ચસ્વને રોકવા માટે તે ભારતને પ્રતબિંધોમાંથી મુક્તિ આપી શકે છે. જેમ્સ ઓ’બ્રાયન, જેમને તાજેતરમાં આ પ્રતિબંધ નીતિના સંયોજક તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેણે સંકેત આપ્યો હતો કે ભારત પર પ્રતિબંધો લાદવામાં આવશે નહીં. તેમણે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો હતો.
નોંધનીય છે કે, S-400 સિસ્ટમની વાત કરીએ તો તેમાં શક્તિશાળી રડાર છે, તે અલગ-અલગ દિશામાં અનેક લક્ષ્યોને શોધી શકે છે અને દુશ્મનના ફાઇટર એરક્રાફ્ટ, બોમ્બર્સ અથવા મિસાઇલો પર હુમલો કરતા પહેલા તેને બેઅસર કરી શકે છે. તે વિવિધ રેન્જવાળી મિસાઇલોનો ઉપયોગ કરીને દુશ્મન માટે ખતરો પેદા કરી શકે છે.