સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનતું ભારત, અમેરિકા-બ્રિટન સહિતના દેશોને કરે છે સંરક્ષણ સાધનોનું વેચાણ
- સંરક્ષણ સાધનોમાં પણ આત્મનિર્ભર બનતું ભારત
- ભારત અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોને વેચે છે સંરક્ષણ સાધનો
- ભારતે ફિલિપાઇન્સને પણ બ્રહ્મોસ મિસાઇલનું કર્યું વેચાણ
નવી દિલ્હી: મોદી સરકારનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ હવે ધીરે ધીરે સાકાર થઇ રહ્યો છે. આત્મનિર્ભર ભારતના મિશન હેઠળ ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનીને અન્ય દેશોને સંરક્ષણ સાધનોનું મોટા પાયે વેચાણ કરી રહ્યું છે. ભારત અને ફિલિપાઇન્સની વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલને લઇને મોટો કરાર થયો છે. 37.49 કરોડ ડોલર (27.89 અરબ ડોલર)માં આ કરાર થયો છે.
ભારત અને રશિયા દ્વારા સંયુક્તપણે બ્રહ્મોસ મિસાઇલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઇલને વિશ્વની સૌથી ઘાતક અને સૌથી ઝડપી સુપરસોનિક મિસાઇલ ગણવામાં આવે છે. બ્રહ્મોસ મિસાઇલની વિશિષ્ટતા એ છે કે તેને જમીન,પાણી અને હવાથી છોડવામાં આવે છે. આ ક્ષમતાને ટ્રોયડ કહેવામાં આવે છે. બ્રહ્મોસની ઝડપ 2.8 મેક છે. આ મિસાઇલની રેન્જ 290 કિલોમીટર છે. આ મિસાઇલની ખૂબી એ છે કે આ મિસાઇલ 300 કિલો સુધી ભારે યુદ્વસ સામગ્ર લઇ જવા માટે સક્ષમ છે.
આમ તો ભારત હથિયારોની આયાત કરતા દેશમાં બીજા નંબરે છે. આનો અર્થ એ છે કે ભારત પોતાની જરૂરિયાતના મોટા ભાગના હથિયારો તેમજ દારૂગોળો વિદેશોથી જ આયાત કરે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારત હવે આ ક્ષેત્રે પણ સ્વનિર્ભર બની રહ્યું છે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ હેઠળ ભારતમાં જ સંરક્ષણ સાધનોનું નિર્માણ કરી રહ્યું છે.
ભારત દ્વારા વિદેશમાં વેચાણ કરતા હથિયારો અંગે રક્ષા મંત્રાલયનો રિપોર્ટ કહે છે કે, ભારત વિશ્વના 84 દેશોને રક્ષા સાથે જોડાયેલા ઉપકરણો તેમજ હથિયારો વેચે છે. જેમાં અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશો પણ સામેલ છે.