- ભારતે ગુપ્ત રીતે પોતાની મહાવિનાશક ન્યૂક્લિયર સબમરિન લોંચ કરી
- આ સબમરિનનું વજન 7000 ટન છે
- તેની મારક ક્ષમતા 3500 કિલોમીટર છે
નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન ભારતને ઉશ્કેરવા માટે છાશવારે કાંકરીચાળો કરતુ રહે છે ત્યારે ભારત આ બંનેને જડબાતોડ જવાબ આપવા માટે સમયાંતરે નવા નવા હથિયારો ખરીદી રહ્યું છે તેમજ હથિયારોનું નિર્માણ કરતું રહે છે.
ભારતે ચૂપચાપ રીતે પોતાની ત્રીજી ન્યૂક્લિયર પાવર્ડ સબમરિન લોંચ કરી દીધી છે. અરિહંત ક્લાસની આ ત્રીજી ન્યૂક્લિયર છે. તેને 23 નવેમ્બરે ભારતે પોતાના વિશાખાપટ્ટનમ ખાતેના ગુપ્ત શિપયાર્ડમાંથી લોંચ કરી હતી. આ સબમરિનનું વજન 7000 ટન છે.
બ્રિટનના એક ડિફેન્સ મેગેઝિને એવો દાવો કર્યો છે કે, આ સબમરિનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવી રહી છે. મેગેઝીને સેટેલાઇટ તસવીરોના આધારે આ દાવો કર્યો છે.
મેગેઝીનના દાવાને જો સાચો માનીએ તો આ સબમરિન મોટા કદની છે. તેનું વજન 7000 ટનની આસપાસ છે. તેમાં મિસાઇલ લોંચ કરવા માટેની આઠ ટ્યુબ છે. અગાઉની સબમરિન અરિહંતમાં ચાર ટ્યુબ હતી. નવી સબમરિન એક સાથે 24 બેલિસ્ટિક મિસાઇલ લઇ જઇ શકે છે અને લોંચ પણ કરી શકે છે. તે 3500 કિલોમીટર સુધીના લક્ષ્યાંકને વીંધી નાખવા માટે સક્ષમ છે.
અત્રે જણાવવાનું કે, ભારત સબમરિનો માટે ખાસ પ્રકારના કે-4 મિસાઈલ બનાવી રહ્યુ છે.જેનુ પણ બહુ જલ્દી પરિક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.