નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ, ગલવાન ઘાટીમાં તિરંગો ફરકાવ્યો
- નવા વર્ષે ભારતે ડ્રેગનને આપ્યો મજબૂત સંદેશ
- ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ફરકાવ્યો તિરંગો
- ભારતીય સેનાએ દર્શાવી પોતાની તાકાત
નવી દિલ્હી: ભારતીય સેનાએ નવા વર્ષે ડ્રેગનને મજબૂત સંદેશ આપ્યો છે. ભારતીય સેનાએ નવા વર્ષ પર લદ્દાખની ગલવાન ઘાટીમાં સરહદ પર તિરંગો ફરકાવ્યો છે. સૂત્રો અનુસાર ભારતીય સેનાએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર તિરંગો ફરકાવ્યો હતો. મીડિયાના એક વર્ગમાં ચીન દ્વારા ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના સમાચાર વચ્ચે ભારતીય સેનાના તિરંગો ફરકાવવાના સમાચાર સામે આવ્યા છે.
ચીને અરુણાચલના કેટલાક ભાગોના નામ બદલવાની હરકત કરી છે. તેના પર વાત કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે, અમને કેટલાક મીડિયા રિપોર્ટના માધ્યમથી ચીન તરફથી અરુણાચલના કેટલાક ભાગના નામ બદલવાની માહિતી મળી હતી, પરંતુ નામ બદલવાથી હકીકત બદલતી નથી. અરુણાચલ પ્રદેશ હંમેશા ભારતનો અભિન્ન ભાગ હતું અને આગળ પણ રહેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનની આ હરકતો વિશે વાત કરતા કહ્યું કે, ચીને 2017માં પણ આ પ્રકારનું પગલું ભર્યું હતું. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા. તે ઉપરાંત મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનના 40 સૈનિકોના પણ મોત થયા હતા.
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમાને મોરચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તરફથી તિરંગો ફરકાવવાને ચીનને વળતો જવાબ માનવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે વિવાદને લઇને અનેકવાર મંત્રણા થઇ ચૂકી છે તેમ છતાં હજુ સુધી કોઇ ચોક્કસ નિર્ણય કે સમાધાન સામે આવ્યું નથી.