કોરોના મહામારીમાં ફાર્મા સેક્ટરમાં તેજી જ તેજી, એપ્રિલમાં વેચાણમાં 59%ની વૃદ્વિ
- કોરોના મહામારીમાં મોટા ભાગના ધંધામાં મંદી પણ ફાર્મા સેક્ટરમાં તેજી
- એપ્રિલ મહિનામાં કોરોના મહામારીથી દવાનું વેચાણ મોટા પાયે વધ્યું
- દવાનું વેચાણ વધતા એપ્રિલમાં ફાર્મા સેક્ટરમાં 59 ટકાની વૃદ્વિ જોવા મળી
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરની મોટા ભાગના ઉદ્યોગ ધંધાને થપાટ લાગી છે, જો કે, આ વચ્ચે દેશના ફાર્મા અને મેડિકલ સેક્ટરમાં જોરદાર વૃદ્વિ જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વાયરસની ઘાતક બીજી લહેરથી દવાઓની માંગ વધતા તેના વેચાણમાં પણ નોંધપાત્ર વૃદ્વિ જોવા મળી છે. તેના પરિણામ સ્વરૂપે ફાર્મા સેક્ટરમાં ફૂલગુલાબી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફાર્મા માર્કેટ રિસર્ચ ફર્મ IMS હેલ્થના સેલ્ટ ડેટા અનુસાર, એપ્રિલમાં નીચા બેઝ ઇફેક્ટ તેમજ કોવિડ-19 સંબંધિત વેચાણને કારણે ભારતીય ફાર્મા માર્કેટમાં એપ્રિલમાં 59 ટકાની વૃદ્વિ જોવા મળી છે જ્યારે માર્ચમાં 16 ટકાની વૃદ્વિ નોંધાઇ હતી.
મૂવિંગ વાર્ષિક ટર્નઓવરના આધાર પર IPM 9.6 ટકાના દરે વૃદ્વિ પામ્યું છે, જે મુખ્યત્વે 4.3 ટકાની મૂલ્ય વૃદ્વિ અને નવા પ્રોડક્ટ લોંચમાં 4.6 ટકાનો વિકાસ દર્શાવે છે.
બીજી તરફ એમ્કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસના અહેવાલ અનુસાર, તમામ મુખ્ય ઉપચારમાં એપ્રિલ દરમિયાન ડબલ ડિજીટમાં વૃદ્વિ જોવા મળી છે.
ક્રોનિક સારવારમાં, કાર્ડિયાક થેરેપીમાં 22 ટકાનો વધારો થયો છે. એ જ રીતે એન્ટિ ડાયાબિટીશ થેરેપીમાં 10 ટકાનો વધારો થયો છે. વીએમએસ (વિટામિન્સ, મિનરલ્સ અને સપ્લિમેન્ટ્સ)ના વેચાણમાં એપ્રિલ દરમિયાન રેકોર્ડ 80 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે જ્યારે માર્ચમાં 27 ટકાનો વધારો થયો હતો.