- કોરોના મહામારી વચ્ચે વિશ્વના અનેક દેશો સૈન્ય પાછળ જંગી રકમ ખર્ચી રહ્યા છે
- વિશ્વના અનેક દેશોએ સૈન્ય પાછળના ખર્ચમાં 1 વર્ષમાં 150 લાખ કરોડ રૂપિયા સુધીનો વધારો કર્યો
- વર્ષ 2019ના મુકાબલે વર્ષ 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો છે
નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વિવિધ દેશો પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવાની સ્પર્ધામાં હોય તેવું લાગી રહ્યું છે. જેના પગલે વિશ્વના વિવિધ દેશોના સૈન્ય પાછળના ખર્ચમાં એક જ વર્ષમાં 150 લાખ કરોડ રૂપિયા સુધીનો વધારો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2019ના મુકાબલે વર્ષ 2020માં સૈન્ય ખર્ચમાં 2.6 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં સૈન્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરનારા પાંચ દેશોમાં અમેરિકા, ચીન, ભારત, રશિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. તેમણે સૈન્ય પાછળ 146 અબજ ડોલર એક વર્ષમાં વાપર્યા છે. સૈન્ય પાછળ પૈસા ખર્ચવામાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પાંચ દેશોનો દુનિયાભરમાં સૈન્ય શક્તિ પાછળ વપરાતી રકમમાં 62 ટકા ફાળો છે.
ટોચના પાંચ દેશોનો સૈન્ય ખર્ચ
અમેરિકા 778 અબજ ડોલર
ચીન 252 અબજ ડોલર
ભારત 72.9 અબજ ડોલર
રશિયા 61.7 અબજ ડોલર
બ્રિટેન 59.2 અબજ ડોલર
નોંધનીય છે કે ચીને તો સતત 26માં વર્ષે પોતાનો સૈન્ય ખર્ચ વધાર્યો છે. ભારતનું સેના પાછળનું બજેટ 2019ની તુલનાએ વર્ષ 2020માં 2 ટકા જેટલું વધ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ ચીન અને પાકિસ્તાન સાથે ભારતનો વધેલો તણાવ છે.
(સંકેત)