- કાબુલથી ભારતીય નાગરિકોને લઇને C-17 વિમાન પરત ફર્યું
- તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે
- આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇને ભારતીય વાયુસેનાનું C-17 વિમાન કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ રાહતના શ્વાસ લીધા છે. હિંડન પર ઉતરેલા આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાં કટોકટી અને હિંસક સ્થિતિ વચ્ચે વિદેશી નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. દરેક દેશ પોતાના નાગરિકોને પરત લાવવા માટે વ્યસ્ત છે. આપને જણાવી દઇએ કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારતને દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કાબુલ એરપોર્ટથી બે ભારતીય વિમાનોને સંચાલિત કરવી મંજૂરી આપવામાં આવશે. 15 ઑગસ્ટે અફઘાનિસ્તાન પર કબજા બાદ હામિદ કરઝઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને નિયંત્રણની જવાબદારી અમેરિકી અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન દળોને આપવામાં આવી છે. તેના દ્વારા કુલ 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ ફરી તાલિબાની હુકુમત જોવા મળી રહી છે. જિહાદી તાલિબાનીઓએ બંદૂકની અણીએ કાબુલ સહિતના મોટા ભાગના વિસ્તારોને બાનમાં લીધા છે અને રાષ્ટ્રપતિ ભવનને પણ કબજામાં કર્યું છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનીઓને સત્તા સોંપી દીધી છે.