- આગામી 4 તારીખે ઉજવાશે નેવી ડે
- આ પહેલા નૌસેનાની તૈયારીઓ અંગે એડમિરલ આર હરી કુમારનું નિવેદન
- દરિયાઇ સીમાની સુરક્ષા માટે નૌસેનાની તૈયારી યુદ્વ સ્તરની છે
નવી દિલ્હી: આગામી ચાર ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી થશે ત્યારે આ અગાઉ દેશના દરિયાઇ સિમાડાઓની સુરક્ષાને લઇને વાત કરતા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે કહ્યું હતું કે, દરિયાઇ સીમાની સુરક્ષા માટે નૌસેના હરહંમેશ દરેક રીતે અને યુદ્વ સ્તરે તૈયાર હોય છે.
નૌસેના દરેક પ્રકારના પડકારોને પહોંચી વળવા માટે તૈયાર હોવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. કોવિડ દરમિયાન નૌસેનાએ લોકોને કરેલી મદદને પણ તેઓએ યાદ કરી હતી. નૌસેનાના જહાજોએ મિત્ર દેશોને દવા અને વેક્સિનના વિતરણમાં સહાયરૂપ બન્યા હતા.
સંયુક્ત સૈન્ય અભ્યાસ અંગે વાત કરતા એડમિરલ આર હરીકુમારે કહ્યું કે, ભારતીય નૌસેનાએ 22 દેશો સાથે દ્વિ પક્ષીય અથા સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે. આત્મનિર્ભર ભારત હેઠળ સાત વર્ષમાં 28 લડાકૂ જહાજો તેમજ સબમરિન નૌસેનામાં સામેલ કરાયા છે. બીજા 39 જહાજો અને સબમરિનના નિર્માણની કામગીરી ચાલી રહી છે. વિમાન વાહક જહાજ વિક્રાંતની બે દરિયાઇ ટ્રાયલ પુરી થઇ ચૂકી છે.
નૌસેનામાં મહિલાઓને સ્થાન આપવા અંગે ભાર મૂકતા તેઓએ જણાવ્યું કે, નૌસેનામાં અલગ અલગ હોદ્દાઓ પર મહિલાઓને સ્થાન આપવા માટે નૌસેના હંમેશા માટે તૈયાર છે.
ચીન અંગે વાત કરતા કહ્યું હતું કે, ચીનના સાતથી આઠ જહાજો પેટ્રોલિંગ કરતા હોય છે. ચીનની દરેક નાની મોટી હિલચાલ પર ભારતની બાજ નજર રહે છે.