- દેશમાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવતો પ્રથમ પ્લાન્ટ કાર્યરત
- બિહારના મુજફ્ફરપુર જીલ્લામાં આ પ્લાન્ટનું ઉદ્વાટન કરાયું
- બસો કિલો પ્લાસ્ટિક કચરામાંથી 150 લીટર ડિઝલ કે 130 લીટર પેટ્રોલ બની શકે છે
નવી દિલ્હી: દેશમાં દિવસે દિવસે પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યાં છે જેને કારણે લોકો કમરતોડ મોંઘવારીનો મારો સહન કરી રહ્યા છે. મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો છે જે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મુજફ્ફરપુર જીલ્લામાં આ પ્લાન્ટનું ઉદ્વાટન બિહાર સરકારના મંત્રી રામસુરત રાયદના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશનો આ પ્રકારનો આ પહેલો પ્લાન્ટ છે. જ્યાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ બનાવાશે.
આ પ્લાન્ટથી બનતા પેટ્રોલ-ડીઝલની ખરાઇ માટે ખુદ મંત્રી રામસૂરત રાયે પણ તેમાંથી બનેલું દસ લિટર ડીઝલ ખરીદ્યું હતું. આ પ્લાન્ટને કાર્યરત કરવા સમયે લોકો તેને જોવા માટે ઉત્સુકતા સાથે ઉમટી પડ્યા હતા.
ફેકટરીમાં રોજ બસો કિલો પ્લાસ્ટિક કચરામાંથી 150 લીટર ડિઝલ કે 130 લીટર પેટ્રોલ બની શકે છે. કચરા પર અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરીને તેમાંથી પેટ્રોલ કે ડિઝલ બનાવવમાં આવે છે.
અગાઉ દહેરાદૂન સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમે આવો અખતરો કર્યો હતો. જે સફળ રહ્યો હતો. આ પ્રકારના પેટ્રોલ અને ડિઝલમાં ઓકટેન વેલ્યૂ વધારે હોવાથી તે વધારે એવરેજ આપવા પણ સક્ષમ છે. કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવવાની પ્રક્રિયામાં 8 કલાક જેટલો સમય લાગે છે.
મહત્વનું છે કે, પ્લાન્ટમાં 6 રૂપિયે પ્રતિ કિલો કચરો નગર નિગમ પાસેથી ખરીદવામાં આવશે. તેમાં તૈયાર થનારૂ પેટ્રોલ અને ડિઝલ 70 રૂપિયે પ્રતિ લિટરના ભાવે નગર નિગમ અને ખેડૂતોને વેચવામાં આવશે.