- ચીનની દરેક કાર્યવાહીને મળશે જડબાતોડ જવાબ
- ભારતે પહાડો ચીરીને બનાવ્યો રસ્તો
- આ રસ્તો સીમા વિવાદ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સીમા પર ચાલતા ટકરાવ વચ્ચે ભારતીય સેના ચીનને જડબાતોડ જવાબ આપી શકે તે માટે BRO દ્વારા ત્યાં રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પહાડોની વચ્ચેથી નીકળે છે.
ચીન પોતાની હરકતોને કારણે કુખ્યાત છે અને પોતાની વિસ્તારવાદની નીતિને કારણે પણ હંમેશા વિવાદમાં જ રહેતુ હોય છે. અત્યારે ચીન અરુણાચલ પ્રદેશ પર નજર રાખીને બેઠુ છે અને ડોકલામ તેમજ લદ્દાખમાં ચીને કરેલા દુ:સાહસ બાદ હવે ભારત ચીન સાથેની સરહદ પર સંરક્ષણની દૃષ્ટિએ કોઇપણ પ્રકારની કસર છોડવા માંગતુ નથી.
ભારત દ્વારા સરહદ પર મોટા હથિયારો અને વધારાના સૈનિકોની તાત્કાલિક ગોઠવવા માટે હવે રસ્તાઓનું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
થોડાક સમય પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી હતી કે, આજના અનિશ્વિતતાભર્યા માહોલમાં કોઇપણ પ્રકારના ટકરાવ કે સંઘર્ષની શક્યતાને નકારી શકાય તેમ નથી. સરહદ પાસે બે વિસ્તારોમાં મજબૂત પુલ બનાવવામાં આવ્યા છે. આ તૈયારીમાં પહાડોને તોડીને સેના માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્માણ કરાયેલા 24 પુલ અને ત્રણ રસ્તાઓને સંરક્ષણ પ્રધાને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ 24 પુલમાંથી 9 જમ્મૂ અને કાશ્મીરમાં, 5 લદ્દાખ અને 5 હિમાચલ પ્રદેશમાં, 3 ઉત્તરાખંડ અને એક-એક સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં છે. અન્ય ત્રણ રસ્તાઓમાંથી બે લદ્દાખમાં તેમજ એક પશ્વિમ બંગાળમાં આવેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિક્કિમમાં ફ્લેગ હિલ-ડોકલા વચ્ચે 11,000 ફૂટ અને લદ્દાખમાં ચિસુમલે-ડેમચોક વચ્ચે 19,000 ફૂટની ઊંચાઈએ બનેલો રસ્તો ચીનની કોઈપણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે વ્યૂહાત્મક રીતે ઘણું મહત્વ ધરાવે છે.