- સરકારે એક જ દિવસમાં નાની બચત યોજનાઓના વ્યાજદરોને લઇને લીધો યુ-ટર્ન
- હવે નાની બચત યોજનાઓ પરના જૂના વ્યાજદર અગાઉની જેમ યથાવત્ રહેશે
- નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે
નવી દિલ્હી: સરકારે ગઇ કાલે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં કાપની જાહેરાત બાદ ફરીથી આજે યુ-ટર્ન લેતા નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. નાણાંમંત્રીએ કરેલી જાહેરાત બાદ કરોડો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
અગાઉ સરકારે, 31 માર્ચના રોજ PPF, સુકન્યા સમૃદ્વિ જેવી તમામ નાની બચત યોજનાઓના વ્યાજદર પર ઘટાડાની જાહેરાત કરી હતી અને આજે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નાણામંત્રીએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજદર એ જ રીતે મળતું રહેશે જે વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિકમાં મળતું હતું. એટલે કે માર્ચ 2021 સુધી જે વ્યાજદર મળતું હતું તે જ રીતે યથાવત્ રહેશે.
નાની બચત યોજનાઓને દર ત્રિમાસિક પર સરકાર નોટિફાય કરે છે. બુધવારે સરકારે નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક એટેલે કે 1 એપ્રિલથી લઈને 30 જૂન 2021 સુધી મળનાર વ્યાજદરોને રિવાઈઝ કર્યા હતા. સરકારે બુધવારે પાંચ વર્ષીય સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કિમના વ્યાજ દર પણ 0.9 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી નાખ્યા હતા. જો કે હવે જૂના વ્યાજદર જ લાગુ રહેશે.
પહેલીવાર સેવિંગ્સ ડિપોઝિટના વ્યાજદર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા વાર્ષિક કરાયા જે પહેલા 4 ટકા વાર્ષિક મળતા હતા. હવે નવી જાહેરાત મુજબ જૂના વ્યાજદર જ લાગુ રહેશે.
(સંકેત)